વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને કાઢી મૂકવાનું સૌથી મોટું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્જ સંભાળ્યાના ચાર દિવસની અંદર દેશના સૈન્ય વિમાનોનો ઉપયોગ કરતાં ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
અમેરિકાની ચૂંટણીમાં તેમણે સત્તા પર આવતાં જ ગેરકાયદે વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગેડી મૂકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું. આ વચનનો અમલ શરૂ થઈ ગયો છે.વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું હતું કે ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો સામૂહિક હકાલપટ્ટી કાર્યક્રમ તેમના પદ સંભાળ્યાના બે દિવસ પછી જ શરૂ થઈ ગયો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટ્ટે ગુરુવારે કહ્યું હતું કે અમેરિકન અધિકારીઓએ ૫૩૮ ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં જ તેમના વતનમા તગેડી મૂકવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ તંત્રે જે ગેરકાયદે વસાહતી ગુનેગારોની ધરપકડ કરી છે, જેમાં એક શકમંદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્ય અને સગીરો વિરુદ્ધ જઘન્ય જાતીય ગુનાઓના દોષિત સહિત અનેક ગેરકાયદે ગુનેગારોનો સમાવેશ થાય છે. કેટલાક ગેરકાયદે વસાહતીઓ સગીરો સામે સેક્સ ગુનામાં સંડોવાયેલા છે.
તેમણે કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને મજબૂત અને એકદમ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તમે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરશો તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે. વધુમાં ટ્રમ્પે બુધવારે અમેરિકા-મેક્સિકોની સરહદ સીલ કરવા અને કાયમી કાયદાકીય દરજ્જો ધરાવતા ના હોય તેવા લાખો ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.