બીજિંગઃ ચીનમાં મોંઘવારીનો દર નીચલા સ્તરે પહોંચ્યો છે. મે મહિનામાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 4.6 ટકા ઘટીને આવ્યો છે, જેમાં છેલ્લાં સાત વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલાં મે, 2016માં પ્રોડ્યુસર પ્રાઇસિસમાં 7.2 ટકાનો જોવા મળ્યો હતો. એપ્રિલમાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સમાં 3.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. એપ્રિલમાં CPI 0.1 ટકા હતો.
મોંઘવારીમાં થયેલા ઘટાડાને લીધે ચીનનું અર્થતંત્ર ઉપર ઊભરવાના પ્રયાસ કરી રહ્યું છે. સરકારે કોરોનાના કેસોને વધતા અટકાવવા લોકડાઉનની આકરી પોલિસી અપનાવી હતી. જોકે સરકારે એ નીતિ ગયા વર્ષે બંધ કરી દીધી હતી.
ચીનમાં સ્થિતિ અમેરિકા, યુરોપથી વિપરીત
ચીનમાં મોંઘવારીનું સ્તર વિશ્વના અન્ય દેશોના ઇન્ફ્લેશન વલણથી તુલનાએ બિલકુલ ઊલટી છે. અમેરિકા, યુરોપ અને ઇન્ડિયા જેવાં વિશ્વના અર્થતંત્રો મોંઘવારી વધવાને કારણે પરેશાન છે અને એને નિયંત્રણમાં લાવવાના દરેક પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકી ફેડરલ બેન્કે છેલ્લા એક વર્ષમાં મોંઘવારીને અટકાવવા સતત વ્યાજદરોમાં વધારો કર્યો છે.આ સપ્તાહે કેનેડા અને ઓસ્ટ્રેલિયાની મધ્યસ્થ બેન્કોએ પણ અપેક્ષાથી વિપરીત વ્યાજદરોમાં વધારો કર્યો છે.
ચીનમાં મેમાં મોંઘવારીના ડેટાથી માલૂમ પડે છે કે અર્થતંત્રમાં માગ ઘટી છે. જોકે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સે મોંઘવારીના ઘટાડામાં કોમોડિટીની વૈશ્વિક કિંમતોમાં નરમાઈ અને મબળી માગને કારણભૂત ગણી છે. આ સાથે માઇનિંગ અને રો મટિરયલની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. પિનપોઇન્ટ એસેટ મેનેજમેન્ટના ઝાઈવેઈ ઝાંગે કહ્યું હતું કે ડિફ્લેશનનું જોખમ હવે અર્થતંત્ર પર ઝળૂંબી રહ્યું છે.