ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણના સોદાથી ચીન બળીને ખાખ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સંબંધો સતત મજબૂત કરી રહ્યા છે. બંને દેશોએ સંરક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આપસી સહયોગી વધારવા માટે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી એટલે કે iCETનો પ્રારંભ  કરી છે. ભારત-અમેરિકાની મિત્રતા અને સંરક્ષણ ક્ષેત્રમાં આપસી સહયોગને જોઈને ચીન બળીને ખાખ થયું છે. ચીને એના પર તીખી પ્રક્રિયા આપતાં કહ્યું હતું કે અમેરિકા જે કોશિશ કરી રહ્યું છે ભારત એવું ક્યારેય નહીં કરશે.

iCET દ્વારા ભારત અને અમેરિકા સંરક્ષણ ઉપકરણો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં આપસી સહયોગ વધારવા ઇચ્છે છે. વડા પ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગયા વર્ષ મેમાં iCETનું એલાન કર્યું હતું. iCETની બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકી સુરક્ષા સલાહકાર જેક સુલ્લિવન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા.

 ચીનને કેમ મરચું લાગ્યું?

આ બેઠકથી ચીનને કોઈ લેવા દેવા નથી, પણ એને ભારત અને અમેરિકાની મિત્રતા જોઈને મરચાં જરૂર લાગ્યાં છે. ચીનનું માનવું છે કે ભારત, અમેરિકાથી પોતાના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહ્યું છે. જેથી એ વૈશ્વિક ઉદ્યોગ અને સપ્લાય ચીનમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકે અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ ફંન્ડિંગ એકત્ર કરી શકે.

ચીને ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું હતું કે અમેરિકા એક તરફ ભારતનો સાથ ઇચ્છે છે તો બીજી તરફ એને ભારતની માગોનો પણ ખ્યાલ રાખવો પડશે. અમેરિકા ઇચ્છે છે કે એ ભારતને સહયોગી બનાવે, જેથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ થઈ શકે. ત્યાં ઉત્પાદન બનાવી શકાય. આ પ્રકારે ચીનને બદલે ભારતને સપ્લાય ચેઇન માટે નવો વિકલ્પ બનાવવા ઇચ્છે છે.