કોલંબોઃ શ્રીલંકામાં સ્થિતિ બહુ તનાવપૂર્ણ છે. શ્રીલંકામાં આર્થિક સંકટની વચ્ચે સરકારથી નારાજ લોકો મોટા પાયે વિરોધ-પ્રદર્શન પર ઊતર્યા છે. આ પ્રદર્શન કરતા 54 લોકોને છોડાવવા માટે 600 વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા. જેથી કોર્ટને 48 લોકોને છોડવા પડ્યા હતા. બીજી બાજુ, શ્રીલંકામાં મોંઘવારીએ માઝા મૂકી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો આભને આંબી રહી છે. ચોખા અને ઘઉં જેવા ખાદ્ય પદાર્થોની કિંમત પ્રતિ કિલો ક્રમશઃ રૂ. 220 અને રૂ. 190એ પહોંચી હતી. જ્યારે નારિયેળના તેલની કિંમત લિટરદીઠ રૂ. 850એ પહોંચી હતી. અહીં ખાંડની કિંમત કિલોદીઠ રૂ. 240એ પહોંચી હતી. આ ઉપરાંત દૂધનો પાઉડર કિલોદીઠ રૂ. 1900એ વેચાતો હતો અને વીજકાપ 12 કલાક કરતાં વધુ સમય માટે થયો હતો.
શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની અછત નથી સર્જાઈ, પણ એની કિંમતો આસમાને પહોંચી છે. જેનો અર્થ એ થયો કે અનેક લોકોને પુરવઠો મર્યાદિત પ્રમાણમાં પૂરો પાડવામાં આવી રહ્યો છે. અહીં ઠેર-ઠેર ટ્રાફિક જેમનાં દ્રશ્યો સર્જાયાં હતાં. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે. દેશમાં ઇમર્જન્સી લગાવવામાં આવતાં લોકોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો છે. સોશિયલ મિડિયા પર પ્રતિબંધ છે અને કરફ્યુ પણ લાગેલો છે.
શ્રીલંકવાસીઓએ સંકટને દૂર કરવા માટે સુધારાત્મક પગલાં લેવાની માગ કરી છે. રવિવારે સરકારના તમામ પ્રધાનોએ રાજીનામાં ધરી દીધાં હતાં અને રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજાપક્ષેએ તમામ રાજકીય પક્ષોને આર્થિક સંકટ દૂર કરવા માટે આહવાન કર્યું હતું.