લંડનઃ ગાય અને ગાયના છાણના અનેક ઉપયોગ છે. ગાયની સામાજિક અને ધાર્મિક ઉપયોગિતાની તમામ વાતો હોય છે, પણ હવે બ્રિટનમાં પણ ગાય ચર્ચાનો વિષય બની છે, કેમ કે અહીંના ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો વિકલ્પ તૈયાર કર્યો છે. ખેડૂતોના એક જૂથે ગાયના છાણમાંથી એક પાઉડર તૈયાર કર્યો છે, જેનાથી બેટરીઓ બનાવવામાં આવી છે.
ગાયના એક કિલોગ્રામ છાણમાંથી ખેડૂતોએ એટલી વીજ તૈયાર કરી છે કે પાંચ કલાક સુધી વેક્યુમ ક્લિનર ચલાવી શકાય. બ્રિટનની આર્લા ડેરી દ્વારા છાણના પાઉડર બનાવીને એની બેટરીઓ બનાવી છે. એને કાઉ પેટરી નામ આપવામાં આવ્યું છે. AA સાઇઝની પેટરીઝથી સાડા ત્રણ કલાક ઇસ્ત્રી કરી શકાય છે. આ ઘણું ઉપયોગી સંશોધન છે.
બ્રિટિશ ડેરીની ઓપરેટિવ આર્લા દ્વારા આ બેટરી વિકસિત કરવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાતોના જણાવ્યાનુસાર GP બેટરીઝનો દાવો છે કે એક ગાયના છાણથી ત્રણ ઘરોને વર્ષભર વીજ મળી શકે છે. એક કિલોગ્રામ છાણમાંથી 3.75 કિલોવોટ વીજ પેદા કરી શકાશે. આવામાં 4.60 લાખ ગાયોના છાણમાંથી વીજ બને તો 12 લાખ બ્રિટિશ ઘરોમાં વીજપુરવઠો પૂરો પાડી શકાશે.આ ડેરીમાં વર્ષમાં 10 લાખ ટન છાણ નીકળે છે, જેનાથી વીજ ઉત્પાદનનું મોટું લક્ષ્ય રાખી શકાશે.
આર્લા ડેરીમાં તમામ ચીજવસ્તુઓ માટે છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. વળી, એમાંથી નીકળતા કચરાનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. વીજ બનાવવાની પ્રક્રિયાને એનએરોબિક ડાઇજેશન કહેવામાં આવે છે, જેમાં પ્રાણીના વેસ્ટમાંથી વીજ બનાવવામાં આવે છે. ડેરીના એગ્રિકલ્ચર ડિરેક્ટરે કહ્યું હતું કે જો સરકાર આ બાજુ ધ્યાન આપશે તો એનાથી રિન્યુએબલ એનર્જીના પુરવઠામાં પાયોનો પથ્થર સાબિત થઈ શકે.