વિએનાઃ કોરોનાવાઈરસ મહામારીના કેસ વધી જવાને કારણે લોકડાઉન ફરીથી લાગુ કરનાર ઓસ્ટ્રિયા યૂરોપ ખંડનો પહેલો દેશ બન્યો છે. આને કારણે મધ્ય યૂરોપના આ દેશમાં પર્યટન પ્રવૃત્તિઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રિયાએ તમામ પુખ્ત વયનાં નાગરિકો માટે કોરોના-વિરોધી રસી લેવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણય લેનાર તે યૂરોપનો પહેલો દેશ બન્યો છે.
પશ્ચિમ યૂરોપમાં, જર્મનીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મ્યૂનિકમાં નાતાલ બજારને સતત બીજા વર્ષે રદ કરવામાં આવી છે. રસી ન લેનારાઓને થિયેટરો, રેસ્ટોરન્ટ્સ અને બારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આયરલેન્ડમાં મધ્યરાત્રિથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. નેધરલેન્ડ્સે આંશિક લોકડાઉન લાગુ કર્યું છે. હંગેરી અને ચેક પ્રજાસત્તાક દેશોને અમેરિકાએ પ્રવાસ-પર્યટન માટે ભારે જોખમી પ્રદેશો-દેશોના ઝોનમાં મૂકી દીધા છે.