બિજીંગ- આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં પહેલેથી જ તણાવ ચાલી રહ્યો છે. હવે કુલભૂષણ મામલે પાકિસ્તાનના વ્યવહાર બાદ બન્ને દેશો વચ્ચેના મતભેદ વધુ વણસી શકે છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાનના વધી રહેલા તણાવને જોતાં ચીને ચર્ચા દ્વારા મતભેદ સુધારવા બન્ને દેશને અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના અનેક વિવાદીત મુદ્દાઓમાં ચીન પાકિસ્તાનનો સાથ આપીને બળતામાં ઘી હોમવાનું કામ કરતું રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવતું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અને ભારતીય કમાંડો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી પર બિજીંગ ધ્યાન રાખી રહ્યું છે. ચીને સલાહ આપતા કહ્યું કે, બન્ને દેશોએ ક્ષેત્રીય શાંતિ જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. જોકે ભારત-પાકિસ્તાન સરહદની વર્તમાન સ્થિતિ અંગે હુઆ ચુનયિંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.
એક સવાલના જવાબમાં હુઆ ચુનયિંગે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બન્ને ચીનના પાડોશી દેશ છે તેથી અમે આશા વ્યક્ત કરીએ છીએ કે, બન્ને દેશ ચર્ચા દ્વારા વિવાદોનો અંત લાવે. દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા ભારત અને પાકિસ્તાને સંયુક્ત પ્રયાસો કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદે વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જેને લઈને ભારતીય સેનાની એક ટુકડીએ LoC પાર કરી પાકિસ્તાનમાં ઘુસી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો હતો. જેમાં પાકિસ્તાનના ચાર સૈનિક માર્યા ગયા હતા. આ અંગેની જાણકારી ભારતીય સેનાના સૂત્રોએ જારી કરી છે.