ચીનમાં કોરોના વાઈરસના મૃતકોના અંતિમસંસ્કાર પર પ્રતિબંધ

બીજિંગ – ચીનની સરકારે એકદમ નવી એવી કોરોના-વાઈરસ બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના દેહને અગ્નિદાહ આપવા, દફનવિધિ કરવા કે એની અંતિમયાત્રા કાઢવા જેવી વિધિઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 304 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને બીજાં હજારો લોકોને તે બીમારી લાગુ પડી છે.

આ રોગના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ચીને અંતિમસંસ્કાર વિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેર સુરક્ષા મંત્રાલય અને નાગરિક બાબતોના મંત્રાલયે તેમજ નેશનલ હેલ્થ કમિશને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે મૃતદેહોના એમનાં લોકેશનની નજીકના નિર્ધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમસંસ્કાર કરવા અને મૃતદેહોને એક શહેર કે પ્રદેશમાંથી બીજા શહેરમાં લઈ જવા નહીં. એવી જ રીતે એને દફનવિધિ કરવા માટે કે કોઈ અન્ય કારણસર સાચવી રાખવા નહીં.

મૃતદેહોની અંતિમયાત્રા જેવી વિધિઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. એવી જ રીતે વધુ સૂચના એ આપવામાં આવી છે કે મૃતદેહો મેડિકલ કર્મચારીઓ દ્વારા ચેપમુક્ત કરાય અને સીલ કરેલી બેગમાં મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ એને બેગ ફરી ખોલી શકાશે નહીં.

સ્મશાનગૃહોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે એમણે મૃતદેહો લઈ આવવા માટે કર્મચારીઓને વિશેષ વાહનો સાથે મોકલવા તથા વાહનોને નિર્ધારિત રૂટ પરથી જ સ્મશાનગૃહે લઈ જવા.

ચીનનું વુહાન શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ ગણાય છે. ચીનમાં હજી 400થી વધારે કોરોનાગ્રસ્ત લોકોની હાલત અત્યંત ગંભીર છે અને 1,118 જણની હાલત ગંભીર છે.

ચીનમાં કોરોનાનાં શંકાસ્પદ કેસોની સંખ્યા 19,544 છે.

ચીનમાંથી રોગ ભારત સહિત ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. ભારતમાં બે કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ઉપદ્રવને આંતરરાષ્ટ્રીય કટોકટી તરીકે ઘોષિત કરી છે.