નવી દિલ્હીઃ કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવતાં ‘વિદેશી જોખમ’ ગણાવ્યું છે, જે એની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. કેનેડાએ એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં દિલ્હીની ભૂમિકાના આરોપ લગાવ્યાના મહિનાઓ પછી ભારત પર તીખો હુમલો કર્યો છે. કેનેડાએ આ આરોપ સુરક્ષા જાસૂસી સેવા દ્વારા ગ્લોબલ ન્યૂઝ દ્વારા પ્રાપ્ત એક ગુપ્ત રિપોર્ટમાં લગાવ્યો છએ. જોકે ભારતે અત્યાર સુધી એનો કોઈ પ્રત્યુત્તર નથી આપ્યો.
ગયા વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ભૂમિકાનો દાવો કરવાની સાથે શરૂ થયો છે આરોપો, પ્રત્યારોપોના દોરમાં આ તાજો આરોપ છે, જેનો ભારતે અસ્વીકાર કર્યો છે.ભારતને જોખમ બતાવનારા રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાના લોકતંત્રને નબળું બનાવી રહ્યું છે. વિદેશી હસ્તક્ષેપ પારંપરિક કૂટ નીતિથી અલગ છે, કેમ કે એમાં નીતિ નિર્માણને અસર કરવા માટે ખાનગી બાબતો અને છેતરપિંડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આવું પહેલી વાર છે કે જ્યારે કેનેડાએ ભારત પર ચૂંટણીમાં હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો છે. એ આરોપ પહેલાં ચીન અને રશિયા પર પણ લગાવવામાં આવ્યા છે. તાજા રિપોર્ટમાં બ્રીફિંગ ટુ ધ મિનિસ્ટર ઓફ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ફોરેન ઇન્ટરફરન્સમાં ચીનને અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ બતાવવામાં આવ્યું છે. આ દસ્તાવેજોના કેટલાક ભાગોમાં માત્ર ભારત અને ચીનનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી હસ્તક્ષેપ, અખંડિતતા, લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને મૂલ્યોને નષ્ટ કરીને કેનેડા અને કેનેડાના લોકોને નુકસાન પહોંચાડવામાં આવે છે.