બિજીંગ- ચીન અને ભારત વચ્ચે વ્યાપાર અસંતુલન એ કોઈ નવી બાબત નથી. જોકે ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચીને વ્યાવસાયિક નુકસાનને લઈને ભારતની ચિંતાઓનું સમાધાન લાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત ચીનથી જેટલું આયાત કરે છે તેની સરખામણીમાં નિકાસ ઘણી જ ઓછી છે. જેને ધ્યાનમાં રાખીને ભારતના સોયાબીન, ખાંડ, ચોખા અને સરસવની આયાત માટે ચીન નિયંત્રણો હળવા કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે અમેરિકા સંરક્ષણવાદી નીતિ અપનાવીને ટ્રેડવૉર શરુ કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત અને ચીન તેના વ્યાવસાયિક સંબંધો મજબૂત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વાણિજ્યપ્રધાને ચીનમાં ભારતના રોકાણનું સ્વાગત કર્યું છે. અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડેફિસિએટ ઓછો કરવા પગલા લેવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આપને જણાવી દઈએ કે, વૈશ્વિક બજાર સંરક્ષણવાદી નીતિઓને કારણે ટ્રેડવૉર તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે વખત ઈમ્પોર્ટ ટેરિફમાં વધારો કરી ચુક્યા છે, જેની ચીન પર વિપરિત અસર પડી શકે છે. ગત સપ્તાહે અમેરિકાએ ચીનને વધુ એક ઝાટકો આપતા ચીની ઉત્પાદનો ઉપર વધુ એક ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ ચીને તેના સંસદ સત્રમાં અર્થવ્યવસ્થાને વધુ પ્રભાવશાળી કરવાની વાત જણાવી છે જેથી ચીનની કંપનીઓ વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે.