ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક તેલ ટેન્કર અને યાત્રી બસની ટક્કરમાં 27 જેટલા લોકોનું મૃત્યુ થયું છે અને આશરે એક ડઝન જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે લસબેલા જિલ્લામાં કરાંચીથી પંજગુર જઈ રહેલી બસને સામેથી આવી રહેલા ટેન્કરે ટક્કર મારી દીધી. બસમાં 40 લોકો સવાર હતા. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટેન્કરનામ ડીઝલ હોવાના કારણે અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. તેમણે કહ્યું કે યાત્રી જીવ બચાવવા માટે બસમાંથી કૂદવા લાગ્યાં પરંતુ ઘણા લોકો બસની અંદર જ ફસાઈ ગયાં કારણ કે આગની જ્વાળાઓએ બસ અને ટેન્કરને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘટનાસ્થળથી 27 જેટલા શબ એકત્ર કરવામાં આવ્યા છે. તમામ લોકોનું મૃત્યુ આગની લપેટમાં આવવાના કારણે થયું છે. તેમણે જણાવ્યું કે ઘાયલ થયેલા 16 લોકો પૈકી 6 જેટલા લોકોની હાલત ગંભીર છે. ઈદી ફાઉન્ડેશનના એક બચાવ અધિકારીએ જણાવ્યું કે સુવિધાઓ તેમજ એમ્બ્યુલન્સોની કમીના કારણે ઘાયલોને કરાંચી લઈ જવામાં ખૂબ સમય લાગ્યો.
તેમણે જણાવ્યું કે મોટાભાગના લોકોના શબ એવી રીતે બળી ગયા છે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. બલૂચિસ્તાન પ્રાંત તેલ સંપન્ન ઈરાનની સીમા સાથે જોડાયેલી છએ જ્યાંથી લાખો ગેલન તેલ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન પહોંચાડવામાં આવે છે. બેદરકારી પૂર્વક ગાડી ચલાવવાના કારણે અને રોડની ખરાબ સ્થિતિના કારણે પાકિસ્તાનમાં ઘાતક રોડ અકસ્માત અત્યારે સામાન્ય બની ગયા છે.