ઈસ્લામાબાદ- ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને બન્ને દેશ વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે તણાવ ઓછો કરવાના વિચાર સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાનના રેન્જર્સ વચ્ચે 22 જાન્યુઆરીએ બેઠક યોજાશે. જેમાં બન્ને દેશોના કમાંડર સ્તરના અધિકારી ભાગ લેશે.આ પહેલા 18 જાન્યુઆરીના રોજ આ બેઠક યોજાવાની હતી. જે અંગે પાકિસ્તાને કોઈ જવાબ નહીં આપતા હવે બેઠક 22 જાન્યુઆરીએ યોજાશે તેમ જણાવવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાનનું આ પ્રકારનું વલણ રહેશે તો 22 જાન્યુઆરીની બેઠક યોજાશે કે કેમ તે અંગે શંકા છે.
BSFના અધિકારીએ જણાવ્યું કે, સહરદ પર સ્થિતિ સામાન્ય કરવા ભારત તરફથી વધુ એક બિનશરતી પ્રયાસ કરાયો છે, પરંતુ પાકિસ્તાન આ માટે આનાકાની કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત ફયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન હવે સરહદી વિસ્તારના ગામને ટાર્ગેટ કરી રહ્યું છે. ગતરોજ પાકિસ્તાનના ફાયરિંગમાં સેનાના એક જવાન સહિત કેટલાંક નાગરિકો પણ ઘાયલ થયાં હતાં.
જમ્મુ-કશ્મીરનાં આરએસ પુરા, સાંબા અને કઠુઆ જેવા સરહદી વિસ્તારોમાં એક હજારથી વધુ લોકો શરણાર્થી શિવિરોમાં રહેવા મજબૂર બન્યાં છે. ભારત અને પાકિસ્તાન સરહદે વધી રહેલા તણાવને કારણે સૈન્ય અધિકારીઓએ આગામી ત્રણ દિવસ સુધી ઉપરોક્ત વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા જણાવ્યું છે.