કરાચી એરપોર્ટની બહાર ધડાકોઃ બે ચાઇનીઝ નાગરિકોનાં મોત

કરાચીઃ પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મોત અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો.

ચીની એમ્બેસીએ જણાવ્યું હતું કે અનેક પાકિસ્તાની કર્મચારીઓ માર્યા ગયા છે. કુલ મોતની સંખ્યા હજી  બહાર નથી આવી. આ વિસ્ફોટ સિંધ પ્રાંતમાં વીજ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ચાઇનીઝ એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અલગાવવાદી ઉગ્રવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાદારી લીધી હતી.

પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને જણાવ્યું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ઘાયલ થયો હતો. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે, જેમાંથી મોટા ભાગના બીજિંગના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે, જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બીજિંગ સાથે જોડે છે.આ બ્લાસ્ટ બાદ એરપોર્ટની બહારથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈસ્ટ અઝફર મહેસરે પત્રકારોને જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે તે ઓઈલ ટેન્કર વિસ્ફોટ હતો. તેમણે કહ્યું હતું  કે અમે વિસ્ફોટની પ્રકૃતિ અને કારણ શોધી રહ્યા છીએ.

આ વિસ્ફોટમાં વિદેશી નાગરિકોને લઈ જતી પોલીસ વાહનને પણ નુકસાન થયું હતું. સળગતા વાહનોથી લોકો ભાગવા લાગ્યા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકનાં વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં 10 વાહનોને નુકસાન થયું હતું, જેમાંથી ચાર વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયાં હતાં.