બલૂચિસ્તાનમાં 214 બંધકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાના BLAનો દાવો

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હાઈજેક થયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટો ખુલાસો થયો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે પાકિસ્તાની સૈનિકો સહિત 214  બંધકો તેમણે મોતને ઘાટ ઉતારી દીધા છે. જો BLAનો આ દાવો સત્ય હોય, તો તે પાકિસ્તાન માટે ભવિષ્યમાં ગંભીર પડકાર ઊભો કરી શકે.

મંગળવારે BLAના બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલાન પાસે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી. ટ્રેનમાં 450થી વધુ મુસાફરો સવાર હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને છોડીને અન્યને બંધક બનાવી લીધા હતા. બુધવારે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે આ ઓપરેશનમાં 33 બલૂચ બળવાખોરોને માર્યા ગયા છે અને તમામ બંધકોને સુરક્ષિત મુક્ત કરી દેવામાં આવ્યા છે.

જ્યારે હવે, BLAએ આ દાવાને ખોટો ઠેરવતા કહ્યું છે કે તમામ 214 બંધકો પાકિસ્તાની સૈનિકો હતા અને તેમના પર પગલાં ભરવાની પાકિસ્તાને અવગણના કરી, જે કારણે તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. BLAએ આરોપ મૂક્યો છે કે પાકિસ્તાન સરકાર અને સેનાએ તેમના જ સૈનિકો માટે કોઈ પ્રયાસ કર્યા જ નહીં. BLAએ નિવેદન આપતાં કહ્યું કે “આ તમામ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને યુદ્ધના નિયમોના દાયરામાં રહીને કરવામાં આવી છે.” તેમણે પાકિસ્તાની સેનાને આ ઘટના માટે જ જવાબદાર ઠેરવી, દાવો કર્યો કે પાકિસ્તાની સેનાના અયોગ્ય પ્રબંધન અને શાંતિની અવગણના એ જ 214 સૈનિકોના મૃત્યુનું કારણ છે. BLA દ્વારા 214 સૈનિકોને માર્યાનો દાવો પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. જો આ દાવાની પુષ્ટિ થાય, તો પાકિસ્તાન સરકાર અને સેનાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે.