તો જોખમમાં મુકાઈ શકે છે ઈઝરાયલના પીએમની સત્તા

જેરુસલેમ- ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ હાલમાં ભારતના છ દિવસના રાજકીય પ્રવાસે છે. ત્યારે તેમની વિરુદ્ધ તેમના જ દેશમાં પીએમ પદ છોડવાનો દબાવ બની રહ્યો છે.માનવામાં આવી રહ્યું છે કે, નેતન્યાહૂ તેમના જ દેશમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેથી તેઓ તેમના ભારત પ્રવાસમાંથી કંઈક સારુ લઈને સ્વદેશ પરત ફરવા ઈચ્છે છે. જેથી તેમના વિરુદ્ધ બની રહેલા માહોલમાં પરિવર્તન લાવી શકાય અને પીએમ પદ પરથી રાજીનામું આપવાનો વારો ન આવે અને અન્ય વિવાદોનું પણ સમાધાન લાવી શકાય.

પુત્રને કારણે પ્રતિષ્ઠા દાવ પર

ભારત પ્રવાસ પર આવતા પહેલાં પીએમ નેતન્યાહૂના પુત્રની એક ઓડિયો ટેપ સામે આવી હતી. જેમાં તેમના 26 વર્ષના પુત્ર યાઅર નેતન્યાહૂને કારણે તેમને શર્મિંદા થવું પડ્યું છે. થોડા દિવસો પહોલાં સામે આવેલી આ ટેપમાં પીએમ નેતન્યાહૂનો પુત્ર સ્થાનિક બિઝનેસમેન પાસેથી પોતાનો શોખ પુરો કરવા રુપિયા ઉધાર માગતો હોય તેવી વિગતો સામે આવી હતી. આ ટેપ વર્ષ 2015ની હોવાનું જાણવા મળ્યું છે.

ઓડિયો ટેપ સામે આવ્યા બાદ ઈઝરાયલમાં નવી રાજનીતિ શરુ થઈ ગઈ છે. ત્યાંના વિરોધપક્ષના નેતા પીએમ નેતન્યાહૂના રાજીનામાની માગ કરી રહ્યાં છે. વિવાદ વધ્યા બાદ ખુદ પીએમ નેતન્યહૂએ તેમના દિકરાની આદતો અંગે માફી માગી અને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. ઈઝરાયલ પીએમ ઓફિસ તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ નેતન્યાહૂનો બિઝનેસમેન કોબી મેમોન સાથે કોઈજ સંબંધ નથી. અને તેમના પુત્રના સંબંધ અંગે નેતન્યાહૂને કોઈ જ માહિતી નથી.

અમેરિકાની એક વેબસાઈટે પોતાના એક લેખમાં દાવો કર્યો છે કે, જે દિવસે નેતન્યાહૂના પુત્રની ઓડિયો ટેપ સામે આવી, એજ રાત્રે ઈઝરાયલની સેનાએ સીરિયાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતાં. અમેરિકન વેબસાઈટે જણાવ્યું છે કે, આ પ્રકારના હુમલાઓમાં પીએમની પરવાનગી હોય છે. જેથી શક્ય છે કે, નેતન્યાહૂએ તેમના પુત્રની ઓડિયો ટેપ સામે આવ્યા બાદ વધી રહેલા વિવાદને રોકવા આ પ્રકારનો હુમલો કરાવ્યો હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]