બેન્કે સેન્ટા બની ક્રિસમસે ગ્રાહકોને વહેંચ્યા રૂ.-13 અબજ

નવી દિલ્હીઃ બ્રિટનમાં આ વખતે ક્રિસમસના તહેવારે એક બેન્ક હજ્જારો લોકો માટે સાન્ટા બનીને આવી હતી. સેન્ટેન્ડર બેન્કે 25 ડિસેમ્બરે ભૂલથી આશરે 75,000 અકાઉન્ટ્સમાં રૂ. 13 કરોડ પાઉન્ડ એટલે કે આશરે રૂ. 13 અબજ જમા કરી દીધા હતા. કેટલાય ગ્રાહકોએ એને ક્રિસમસનું બોનસ સમજીને એ રૂપિયા ક્રિસમસ પાર્ટીમાં ઉડાડી દીધા હતા. હવે બેન્કના કર્મચારીઓને એ રકમ પરત મેળવવામાં નાકે દમ આવી ગયો છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાંથી મોટા ભાગની રકમ હરીફ બેન્કોના એકાઉન્ટ્સમાં ડિપોઝિટ કરવામાં આવી છે.

ક્રિસમસ પર 2000 બિઝનેસ એકાઉન્ટ્સથી ભૂલથી બે વાર ચુકવણી થઈ ગઈ હતી. પહેલી વાર તો પૈસા બિઝનેસ અકાઉન્ટ્સમાંથી કપાયા, પણ બીજી વાર સેન્ટેન્ડર બેન્કના ફંડમાંથી ચુકવણી થઈ હતી. રસપ્રદ વાત એ છે કે એ નાણાં ક્રિસમસની સવારે જમા થયા હતા. લોકોને એવું લાગ્યું કે તેમને ક્રિસમસનું બોનસ મળ્યું છે. આશંકા એવી દર્શાવવામાં આવી રહી છે કે કેટલાય લોકોએ એને ક્રિસમસ પાર્ટીમાં ઉડાડી દીધા હતા.

જોકે બેન્કે કહ્યું હતું કે કે ટેક્નિકલ સમસ્યાને કારણે આવું થયું છે, જેથી બેન્કના કોઈ ક્લાયન્ટને નુકસાન નથી થયું. અમે ડુપ્લિકેટ વ્યવહાર દ્વારા ગયેલી રકમને પરત લેવા માટે આવનારા દિવસોમાં અન્ય બેન્કો સાથે વાત કરીશું. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે ગ્રાહકોએ એ રકમ ખર્ચ કરી દીધી હશે તો બેન્ક શું કરશે.