ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોનાવાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે ગયા વર્ષના એપ્રિલથી લાગુ કરાયેલા નિયંત્રણો અંતર્ગત શાળાઓ, ખેલકૂદ પ્રવૃત્તિઓ તથા અન્ય કાર્યક્રમો બંધ રખાયા છે એની એક બહુ જ ખરાબ અવળી અસર જોવા મળી છે કિશોરાવસ્થાનાં લોકોમાં. સમાચાર સંસ્થા રોઈટર્સના અહેવાલ મુજબ, આ વર્ષના એપ્રિલ સુધીમાં અમેરિકામાં 20-વર્ષ અને તેથી ઓછી વયનાં કિશોરો દ્વારા ડ્રગ્સ લેવાનું પ્રમાણ 43 ટકા જેટલું વધી ગયેલું જોવા મળ્યું છે. કેફી દ્રવ્ય લઈને બેભાન થઈ ગયેલા કિશોરો વિશે પોલીસતંત્રને 911 નંબર પર અસંખ્ય ફોન કોલ્સ આવતા રહ્યા હતા. આ વર્ષના જ એપ્રિલમાં કેલિફોર્નિયા રાજ્યના સેન્ટા ક્રૂઝ માઉન્ટેન્સના એક નાનકડા નગર લા હોન્ડામાં રહેતા 16-વર્ષના એક હાઈસ્કૂલ વિદ્યાર્થી અને આઈસ હોકીના ખેલાડીને એનો એક મિત્ર એના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ઘણી વાર સુધી ફોન કરવા છતાં જવાબ ન મળતાં તે વિદ્યાર્થી એના મિત્રના ઘેર પહોંચ્યો હતો જ્યાં એનો મિત્ર મૃત પડ્યો હતો. એણે તરત જ 911 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે મૃતક વિદ્યાર્થીએ મેથાડોન ડ્રગનો વધુપડતો ડોઝ લઈ લીધો હતો. તે અનેક કલાકોથી મૃત થઈ ગયો હતો. અમેરિકામાં 2017થી 2019ની સાલ સુધી ઈમરજન્સી ડ્રગ કોલ્સની સંખ્યા સ્થિર રહી હતી. દર એક લાખ કોલ્સમાં આશરે 25 કોલ ડ્રગ્સની તાકીદને લગતા હતા. પણ કોરોના રોગચાળાના વર્ષમાં આ સંખ્યા પ્રતિ એક લાખ કોલ્સ સામે 37 સુધી વધી ગઈ છે.