વોશિંગ્ટન- અમેરિકાએ જણાવ્યું છે કે, ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી બચવા વિવિધ દેશો દ્વારા કરવામાં આવતા પ્રયાસો નુકસાનકારક સાબિત થશે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપિયન યુનિયને ઇસ્લામિક દેશો સાથે કાયદાકીય રીતે વ્યાપાર શરુ કરવા નવું તંત્ર સ્થાપિત કરવાની નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરુઆતમાં જ ટ્રમ્પ પ્રશાસન વર્ષ 2015ના ઈરાન પરમાણુ કરારમાંથી ખસી ગયું હતું. અને અમેરિકાએ ઈરાન પર અનેક આકરા પ્રતિબંધો ફરીવાર લાગુ કર્યા હતા. ઈરાન પર પ્રથમ તબક્કાનો પ્રતિબંધ પહેલેથી જ લાગૂ છે. જ્યારે વ્યાપક પ્રતિબંધ આગામી ચાર નવેમ્બરથી પુરી રીતે લાગૂ થઈ જશે.
અમેરિકાએ આશા વ્યક્ત કરી છે કે, ભારત સહિત તમામ દેશો ઉપરોક્ત સમય મર્યાદા સુધીમાં ઈરાન પાસેથી તેલની ખરીદી બંધ કરી દેશે. અમેરિકન સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈ પણ દેશ ઈરાન સાથે વ્યાપાર ચાલુ રાખશે તો અમેરિકન બેન્કિંગ વ્યવસ્થા અને આર્થિક તંત્ર તેની પહોંચથી બ્લોક થઈ જશે.
જોકે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા નથી. અને ભારતની નીતિ રહી છે કે, તે ફક્ત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને જ લાગૂ કરે છે. તેમ છતાં ભારત અને અમેરિકા આ મુદ્દે વચ્ચેનો માર્ગ કાઢવા વાતચીત કરી રહ્યાં છે.