રાફેલ ડીલ સમયે હું સત્તામાં નહતો: ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મેક્રોન

પેરિસ- ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મેક્રોને રાફેલ ડીલ પર મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે આ બન્ને દેશો વચ્ચેનો કરાર છે. તેમણે આ કરારને લગતા કડક નિયમોને અનુસરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. જોકે, મેક્રોને સ્પષ્ટ કર્યું કે, જ્યારે ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનનો સોદો કરવામાં આવ્યો ત્યારે તેઓ સત્તામાં નહતા.મહત્વનું છે કે, રાફેલ ડીલને લઈને ભારતમાં વિવાદનો મધપુડો છેડાયેલો છે. આ સંદર્ભે પત્રકારોએ ફ્રાંસના પ્રેસિડેન્ટને પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં મેક્રોને જણાવ્યું કે, ‘રાફેલ કરાર એ બે દેશ વચ્ચેનો કરાર છે. જે સમયે આ સોદો કરવામાં આવ્યો ત્યારે હું સરકારમાં નહતો’. અમારા નિયમો ખૂબ જ સ્પષ્ટ છે અને આ સોદો ભારત અને ફ્રાંસ વચ્ચે લશ્કરી અને સંરક્ષણ ગઠબંધનનો એક મોટો ભાગ છે.

તાજેતરમાં જ ફ્રેન્ચ મીડિયામાં એક અહેવાલ સામે આવ્યો હતો. જેમાં ફ્રાંસના પૂર્વ પ્રેસિડેન્ટ ફ્રાંસ્વા ઓલાંદેનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કથિત રીતે જણાવવામાં આવ્યું હતું કે, 58 હજાર કરોડ રુપિયાના રાફેલ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દસો એવિએશનના ભાગીદાર બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઓલાંદની આ વાત બાદ ભારતમાં પણ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું રાજકારણ ગરમાયું છે.