વોશિંગ્ટન- અમેરિકા અને ભારત વચ્ચે આગામી સપ્તાહે નવી દિલ્હીમાં યોજાનારી ‘2+2’ બેઠક પહેલાં ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું છે કે, અમેરિકા દ્વારા H1B વિઝા ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ બેઠક દરમિયાન H1B વિઝાનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે.આ અંગે સુષમા સ્વરાજે ગત મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ‘અમે આ મુદ્દાને અનેક મંચ પરથી ઔપચારિક રીતે ઉઠાવી રહ્યાં છીએ. અમે લોકો આ અંગે વ્હાઈટ હાઉસ, ઉપરાંત અમેરિકાના રાજ્ય પ્રશાસન અને અમેરિકન સાંસદો સાથે પણ આ અંગે ચર્ચા કરી રહ્યાં છીએ. નવી દિલ્હીમાં આગામી 6 સપ્ટેમ્બરે યોજાનારી બન્ને દેશો વચ્ચેની 2+2 બેઠકમાં આ મુદ્દાને અમેરિકાના ધ્યાન પર લાવીશું’.
અમેરિકન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ H1B વિઝાનો મુદ્દો ભારત 2+2 બેઠકમાં ઉઠાવી શકે છે. પરંતુ અમારા તરફથી આ અંગે કહેવા માટે કંઈ જ બાકી નથી રહેતું. કારણકે H1B વિઝાની નીતિઓમાં કોઈ જ બદલાવ કરવામાં આવશે નહીં.
અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના વહીવટી આદેશને અમેરિકામાં કામ કરવા માટે મોટા પાયે યુએસ વિઝા પ્રોગ્રામની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વીઝાની સમીક્ષાનો ઉદ્દેશ્ય એ છે કે, અમેરિકાના કામદારો અને તેમના પગાર પર કોઈ વિપરીત અસર થાય નહીં.