વોશિંગ્ટન- અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહના રહસ્યો અંગે માહિતી મેળવવા અને વધુ અધ્યયન કરવા માટે માર્સ લેન્ડર ‘ઈનસાઈટ’ લૉન્ચ કર્યું છે. કેલિફોર્નિયાના વન્ડેનબર્ગ એરફોર્સ બેઝથી ઈનસાઈટને સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું.નાસા દ્વારા ઈનસાઈટ સ્પેસક્રાફ્ટને એટલાસ વી ક્લીયર્સ રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. આ સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહના આંતરિક ભાગનું અધ્યયન કરશે. ઈનસાઈટ સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહની સપાટીનું ખૂબ નજીકથી નિરીક્ષણ કરશે. ઉપરાંત મંગળ ગ્રહ પર આવનારા ધરતીકંપનું પણ અવલોકન કરી તેનું અધ્યયન કરશે.
મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ પર 99.3 કરોડ અમેરિકન ડોલર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું ઉદ્દેશ્ય મંગળ ગ્રહની પરિસ્થિતિઓ અને ત્યાંના વાતાવરણ વિશે માહિતી મેળવવાનું છે. વૈજ્ઞાનિકો એ વાત જાણવા ઈચ્છે છે કે, અબજો વર્ષ પહેલાં મંગળ ગ્રહની સપાટી વાયુના ગોળામાંથી પૃથ્વીની સપાટીની જેમ પથરાળ સપાટીમાં કેવી રીતે પરિણમ્યો. નાસાનું માનવું છે કે, જો બધું જ પરિસ્થિતિ મુજબ થશે તો આગામી 26 નવેમ્બર સુધીમાં ઈનસાઈટ મંગળ ગ્રહ પર તેનું કામ શરુ કરી દેશે.