વોશિંગ્ટનઃ વિશ્વમાં અમેરિકા સૌથી વિકસિત દેશ છે. તમામ સુખ-સુવિધાથી સંપન્ન મનાતા દેશની હેલ્થકેર સિસ્ટમ પણ કોરોના રોગચાળા સામે ઘૂંટણિયે પડી છે. હેલ્થકેરની તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અમેરિકા આ રોગચાળાને કાબૂમાં નથી લઈ શક્યો. વેન્ટિલેટર સહિત સારવારનાં તમામ સાધનોની અછતને લીધે કોરોનાના દર્દીઓમાં ઝડપથી થઈ રહેલા વધારાને લીધે હોસ્પિટલો ઓછી પડી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ન્યુ યોર્ક, શિકાગો, લોસ એન્જલસ અને સિયેટલ જેવાં શહેરોમાં ફૂટબોલ સ્ટેડિયમ, સંમેલન કેન્દ્ર અને રેસકોર્સને હોસ્પિટલોમાં ફેરવવામાં આવ્યા છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ કોરોનાથી કફોડી થતી હાલતને કાબૂમાં કરવા માટે બધા સ્રોતોને સક્રિય કરી દીધા છે. કોરોના દર્દીની સારવાર માટે નિવૃત્ત ડોક્ટરોની મદદ માગી છે. અમેરિકી સેનાએ એન્જિનિયરિંગ કોર દેશભરમાં હંગામી હોસ્પિટલો નિર્માણમાં લાગેલી છે. ન્યુ યોર્કમાં મૂળ ભારતીય એવા ડોક્ટર પ્રકૃતિ ગાબાએ કહ્યું હતું કે અમારી પાસે પર્યાપ્ત ICU બેડ નથી. આમ છતાં અમારી આરોગ્ય પ્રણાલી લોકોને બચાવવા માટે સારવાર કરી રહી છે.
હોસ્પિટલોમાં કોરોનાના કેસમાં અધધધ વધારો
ન્યુ યોર્કના કેટલાક અધિકારીઓએ અને સ્વાસ્થ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલોમાં કોરોના કેસમાં ખાસ્સો વધારો થયો છે. કેટલાક રોગીગ્રસ્તોને ઘરોમાં જ છોડી દેવામાં આવ્યા છે, કેમ કે હેલ્થકેર ક્ષેત્ર બધાની દેખભાળ નથી કરી શકતી. તેમણે જણાવ્યું હતું કે સારવાર સંકટને લઈને એમ્બ્યુલન્સ માટે વારંવાર ફોન આવી રહ્યા છે, જેવી રીતે 9 સપ્ટેમ્બર, 2001ને આતંકવાદી હુમલાના સમયે આવી રહ્યા હતા.
સૌથી વધુ શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી
શહેરમાં કોરોના વાઇરસને લઈને ગુરુવારે સાત હજારથી વધુ ફોન આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ફોન કોલ 9/11 હુમલા પછી ક્યારેય નથી આવ્યા. આરોગ્યના કર્મચારીઓએ જણાવ્યું હતું કે સૌથી વધુ કોલ શ્વાસ લેવામાં તકલીફ અથવા તાવને લઈને આવી રહ્યા છે.