અવકાશ-સફરે જશે ત્રીજી ભારતીય મહિલા-સિરીશા બાંદલા

લંડનઃ આવતી 11 જુલાઈએ ન્યૂ મેક્સિકો ખાતેથી વર્જિન ગેલેક્ટિકના અવકાશયાન ‘VSS યૂનિટી’માં કંપનીના સ્થાપક અને બ્રિટનના અબજોપતિ સર રિચર્ડ બ્રાન્સનની સાથે અવકાશની યાત્રાએ જનાર અન્ય પાંચ પ્રવાસીઓમાંની એક હશે ભારતમાં જન્મેલી સિરીશા બાંદલા. હાલ 34 વર્ષનાં સિરીશા આંધ્ર પ્રદેશના ગુન્ટૂર જિલ્લામાં જન્મેલાં છે અને અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ઉછર્યાં છે. એમને નાનપણથી જ અવકાશ વિજ્ઞાનમાં ખૂબ જ રુચી રહી છે. એમણે અમેરિકાના ઈન્ડીઆના રાજ્યની પર્ડ્યૂ યૂનિવર્સિટીની એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એ બાદમાં બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિકમાં જોડાયાં હતાં અને કંપનીમાં સરકારી બાબતોના વિભાગની વાઈસ-પ્રેસિડન્ટના હોદ્દા પર છે. સિરીશા વીએસએસ યૂનિટી પર ‘004’ નંબરનાં અવકાશયાત્રી હશે.

આ સમાચાર જાણ્યા બાદ આંધ્ર પ્રદેશમાં રહેતાં એનાં દાદા ડો. રાગૈયા ખૂબ જ રોમાંચિત થઈ ગયા છે. એમણે કહ્યું કે, ‘હું બહુ જ ખુશ છું. સિરીશાને અવકાશવિજ્ઞાનનો ખૂબ જ શોખ છે. એ ખૂબ બહાદુર છે અને મક્કમ મનોબળવાળી છે.’

અવકાશયાત્રાએ જનાર સિરીશા ભારતીય મૂળનાં ત્રીજાં મહિલા છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર અમેરિકાનાં સ્વ. કલ્પના ચાવલા બાદ ભારતમાં જન્મેલાં માત્ર બીજાં અવકાશયાત્રી છે. ભારતીય મૂળનાં અમેરિકન સુનિતા વિલિયમ્સ પણ અવકાશયાત્રાએ જઈ આવ્યાં છે. સુનિતા તો મહિલા તરીકે સૌથી વધુ વાર સ્પેસવોક કરવાનો વિશ્વવિક્રમ ધરાવે છે. ભારતીય પુરુષ તરીકે અવકાશમાં જવાની સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર છે રાકેશ શર્મા. 2003ની 1 જાન્યુઆરીએ અમેરિકાનું અવકાશયાન ‘કોલંબિયા’ પૃથ્વી પર પાછું ફરતી વખતે અવકાશમાં જ વિસ્ફોટ સાથે ફાટતાં કલ્પના ચાવલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. કલ્પનાની એ બીજી અવકાશયાત્રા હતી.

(તસવીર સૌજન્યઃ @SirishaBandla)