કેનબેરા- પૂર્વ એશિયામાં ભારતની મહત્વની ભૂમિકાને લઈને અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ ભારતનું સમર્થન કર્યું છે. ઓસ્ટ્રોલિયાના વિદેશપ્રધાન ફ્રાંસિસ એડમસને જણાવ્યું કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા જાળવી રાખવા અને સુરક્ષાના મુદ્દે બન્ને દેશોના હિત સમાન છે.
ફ્રાંસિસ એડમસને જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા પૂર્વ એશિયામાં ભારતના હિતોનું મજબૂત પક્ષધર છે. અને ભારતનું સમર્થન કરે છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને લઈને ભારતની નીતિઓનું સમર્થન કર્યું હતું.
ગતરોજ નવી દિલ્હી ખાતે ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા યોજાઈ હતી. જેમાં વિદેશ સચિવ એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન ફ્રાંસિસ એડમસન અને જાપાનના ઉપ વિદેશપ્રધાન સાથે ચર્ચા કરી હતી.
સાથે મળીને કામ કરવાનો સંકલ્પ
ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને એ વાત પર સહમતી વ્યક્ત કરી કે, હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ત્રણેય દેશોનું હિત રહેલું છે. જેથી અહીં શાંતિ અને સ્થિરતા જળવાય એ જરુરી છે. આ ક્ષેત્રમાં નિયમો પર આધારિત વ્યવસ્થા, આર્થિક વિકાસ અને લોકતંત્રની જાળવણી માટે ત્રણેય દેશોએ સાથે મળીને કામ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.