નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક મહિલા અધિકારીએ પોતાના એક નિવેદન મામલે આજે સ્પષ્ટતા કરી છે. તેમણે એક નિવેદન આપ્યું હતું કે, નવો કોરોના વાયરસ એસિમ્પ્ટમેટીક લોકોથી અન્ય લોકોમાં ભાગ્યે જ ફેલાય છે. પોતાના આ નિવેદન મામલે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, આ એક ગેરસમજણ હતી. મારીયા વૅન કર્ખોવે, જેઓ ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO)ના કોવિડ-19 ટેકનિકલ લીડ છે. તેમણે કહ્યું કે, ‘અનેક દેશોમાં થઇ રહેલા અભ્યાસ મુજબ એસિમ્પ્ટમેટીક લોકો દ્વારા કોરોના વાયરસ ફેલાવાનો ખતરો ભાગ્યે જ હોય છે.’
સોમવારે યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ મહિલા અધિકારીએ કહ્યું કે, ‘અનેક દેશોમાંથી રિપોર્ટ આવ્યા છે. જેમાં એસિમ્પ્ટમેટીક લોકો એટલે કે એવા રોગી જેમનામાં રોગના કોઈ લક્ષણ નથી દેખાતા એવા રોગી તથા તેમના સંપર્કમાં આવનારા લોકો પર ઊંડો અભ્યાસ થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, એસિમ્પ્ટમેટીક લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિમાં આ વાયરસનું સંક્રમણ ભાગ્યે જ ફેલાય છે.’
મહિલા અધિકારીની આ ટીપ્પણી સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફેલાઈ ગઈ અને વૈજ્ઞાનિક સમુદાયના પ્રત્યાઘાતો આવવા લાગ્યા. પેરિસની ‘પીટી-સલ્પેટ્રીઅર હોસ્પિટલ’ના પ્રોફેસર ગિલ્બર્ટ ડેરેએ ટ્વિટર પર જણાવ્યું, ‘વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખાતરીપૂર્વક નથી કહી શકાતું કે, એસિમ્પ્ટમેટીક લોકો જે સાર્સ-કૉવિડ-2ના વાહક છે, તેમનાથી આ રોગ નથી ફેલાતો. આ વાતની સામે WHOએ જાહેર કરેલી વાત તદ્દન વિરોધી લાગે છે.’
લંડનની ‘સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન’ના ક્લિનિકલ એપિડેમોલોજીના પ્રોફેસર લાયમ સ્મિથ કહે છે કે, ‘આ વાત બહુ આશ્ચર્ય જગાડે તેવી છે.’ વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘આ બાબતે વૈજ્ઞાનિક અનિશ્ચિતતા પ્રવર્તે છે. આમ છતાં એસિમ્પ્ટમેટીક લોકોથી અન્ય ૩૦ થી ૫૦ ટકા જેટલાં લોકોમાં આ ઇન્ફેક્શન ટ્રાન્સમીટ થઈ શકે છે. અત્યાર સુધીનો વૈજ્ઞાનિક અભ્યાસ સૂચવે છે કે, અડધા જેટલા કેસ આવા એસિમ્પ્ટમેટીક અથવા પ્રિસિમ્પ્ટમેટીક લોકોને કારણે ફેલાયેલા સંક્રમણને લીધે ઉભર્યાં છે.’
વૅન કર્ખોવે ત્યાર બાદ ટ્રાન્સમિશન પરની WHOની સમરી ટ્વીટર પર મૂકી. જેમાં જણાવાયું કે, એસિમ્પ્ટમેટીક લોકો દ્વારા ફેલાતા વાયરસ પરના વ્યાપક અભ્યાસને આચરણમાં મૂકવું અઘરૂં છે. પરંતુ અમુક એસિમ્પ્ટમેટીક લોકો તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકો પર કરવામાં આવેલા અભ્યાસના પુરાવા સૂચવે છે કે, એસિમ્પ્ટમેટીક લોકોથી વાયરસ ફેલાવાનો ડર ભાગ્યે જ છે. એટલે કે, એ લોકોથી આ ઈન્ફેકશન બહુ ઓછા પ્રમાણમાં ફેલાય છે.’
મંગળવારે WHOના ટ્વિટર એકાઉન્ટ પર કર્ખોવે બોલ્યાં કે, ‘તેમનાથી એક ગેરસમજણ ફેલાવાઈ ગઈ છે, જેની ઉપર તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે.’ એસિમ્પ્ટમેટીક લોકો દ્વારા ફેલાતા વાયરસ સંદર્ભે કોર્ખોવ આગળ જણાવતાં કહે છે, ‘હું થોડાક જ અભ્યાસને રીફર કરી રહી હતી. લગભગ બેથી ત્રણ અને મને પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપી રહી હતી. જેમાં મેં કહ્યું, એસિમ્પ્ટમેટીક લોકોથી આ વાયરસ ભાગ્યે જ ફેલાય છે. જો કે, WHOની કોઈ પોલિસી હું જણાવી નહોતી રહી.’
‘મેં જે કહ્યું કે, એસિમ્પ્ટમેટીક લોકોથી આ વાયરસનું અન્ય લોકોમાં ટ્રાન્સમિશન વૈશ્વિક રીતે બહુ ઓછા પ્રમાણમાં એટલે કે, ભાગ્યે જ થાય છે. મારી આ વાતને લઈને મોટી ગેરસમજણ ઉભી થઈ છે. જો કે, આ વાતનો ઉલ્લેખ, માત્ર એક-બે અભ્યાસ પરથી જ મેં કર્યો હતો.’
‘મારા વાક્યમાં મેં ‘ભાગ્યે જ’ શબ્દ પર ભાર મૂકીને મારી વાત કહી હતી.’