હોંગકોંગઃ કોરોના રોગચાળો અહીં બેકાબૂ થઈ રહ્યો છે. અહીં દૈનિક ધોરણે 20,000થી વધુ કેસો નોંધવામાં આવી રહ્યા છે અને 250થી વધુ મોત થઈ રહ્યાં છે. અહીંની સ્થિતિ એવી થઈ ગઈ છે કે શબોને રેફ્રિજરેટેડ શિપિંગ કન્ટેનરોમાં રાખવાં પડી રહ્યાં છે, કેમ કે તાબૂત ખૂટી પડ્યાં છે અથવા બહુ મુશ્કેલીથી મળી રહ્યાં છે. કોરોનાના વધતા સંકટને જોતાં લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. અહીં 97 ટકા ટકા કેસ કોરોનાની પાંચમી લહેરમાં નોંધવામાં આવ્યા છે. અહીં 16 માર્ચે 29,272 કોરોનાના કેસ નોંધાયા હતા અને 17 માર્ચે 21,650 કેસ નોંધવામાં આવ્યા હતા.
હોંગકોંગના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ શુક્રવારે સંક્રમણના 20,079 નવા કેસો નોંધાયા હતા. જે પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 10,16,944 થઈ ગઈ છે. હોંગકોંગમાં ડિસેમ્બરમાં પાંચમી લહેર આવી હતી. હોંગકોંગમાં નવ ફેબ્રુઆરીથી અત્યાર સુધી 5401 લોકોના કોરોના રોગચાળાને કારણે મોત થઈ ચૂક્યાં છે. જયારે ચીનમાં રોગચાળાને કારણે 4636 લોકોનાં મોત થયાં છે.
હોંગકોંગમાં કોરોનાથી મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોમાં સિનિયર સિટિઝનો હતા અને મોટા ભાગનાનું સંપૂર્ણ રીતે રસીકરણ પણ નહોતું થયું. હોંગકોંગમાં હાલના સપ્તાહોમાં વિશ્વ સ્તરે પ્રતિ 10 લાખ લોકોએ સૌથી વધુ મોત નોંધાયા છે. સિંગાપુરની તુલનામાં એ 24 ગણા વધુ, કેમ કે એમાં મોટા ભાગના સિનિયર સિટિઝનોનાં થયાં છે.