માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું લશ્કરી વિમાન સોમવારે અચાનક ગાયબ થઈ ગયું હતું. બાદમાં જાણવા મળ્યું કે પ્લેન ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ ઉત્તરી માલાવીના પર્વતીય વિસ્તારમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો.
રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું વિમાન રાજધાની લિલોંગવેથી રવાના થયું હતું પરંતુ ઉત્તરમાં લગભગ 370 કિલોમીટર દૂર આવેલા મઝુઝુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું ન હતું. પ્લેન આ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું.
માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન અધિકારીઓનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચકવેરાએ સર્ચ ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, નિવેદનમાં જણાવાયું છે. ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ કર્યો છે.
ટ્રાફિક કંટ્રોલનું કહેવું છે કે તેમણે પાયલટને ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે લેન્ડિંગ ન કરવા જણાવ્યું હતું. થોડી વાર પછી પ્લેન રડાર પર દેખાતું બંધ થઈ ગયું. માલાવીના રાષ્ટ્રપતિએ કહ્યું, આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. તેઓ એક ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો.