કરાચીઃ કંગાળ પાકિસ્તાનમાં સ્થિતિ ભયાનક થઈ રહી છે. પાકિસ્તાનમાં લોટની કિંમત આકાશને આંબી રહી છે. ડોલરના સંકટને કારણે વિદેશથી આવેલા અબજો રૂપિયાનો જરૂરી માલસામાન પોર્ટ પર ફસાયેલો પડ્યો છે. હવે ખુલાસો થયો છે કે પાકિસ્તાનના આર્થિક સંકટને કારણે 70 લાખ લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. એ નોકરીઓ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી ગઈ છે, જેના પર પાકિસ્તાન ગર્વ કરતું હતું.
પાકિસ્તાની કપડાં ઉદ્યોગમાં કપાસની અછતને દૂર કરવા માટે ભારતની આયાત કરવાની માગ કરી હતી. શહબાઝ સરકારે અકડમાં રહી ગઈ અને એણે એની મંજૂરી નહીં આપી. હવે આ ઉદ્યોગના ખસ્તા હાલ છે.
પાકિસ્તાન વિશ્વમાં કપડાંની નિકાસ માટે મશહૂર છે. વર્ષ 2021માં એણે 19.3 અબજ ડોલરની નિકાસ કરી હતી, જે પાકિસ્તાનના કુલ નિકાસના અડધા છે. પાકિસ્તાનમાં કોટનની ભારે અછત થઈ ગઈ છે, જેનાથી અમેરિકા અને યુરોપમાં બેડશીટ, ટુવાલ અને અન્ય માલસામાન કરતી નાની-નાની કંપનીઓ બંધ થઈ ગઈ છે.
પાકિસ્તાનની શહબાઝ સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મદદ કરવાને બદલે વધુ ટેક્સ લગાવી દીધો હતો. પાકિસ્તાન હાલ વિદેશી કરન્સીની ભારે અછત અને રેકોર્ડ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં આવેલા પૂરથી હાલત બદથી બદતર હતી. પાકિસ્તાન પાસે બંપર નિકાસનો ઓર્ડર હતો, પણ એ પૂરો નથી કરી શકતું. પાકિસ્તાનમાં 25 ટકા કોટનનો પાક બરબાદ થઈ ગયો છે. પાકિસ્તાને હજી વધુ મુશ્કેલીઓને સામનો કરવો પડે એમ છે.