કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાને હંમેશાં છોકરીઓના શિક્ષણનો વિરોધ કર્યો છે. જેને પગલે અફઘાનિસ્તાનમાં સ્કૂલ જતી વિદ્યાર્થિનીઓને હવે નિશાન બનાવવામાં આવી રહી છે. અમેરિકી ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝે જણાવ્યા મુજબ અફઘાનિસ્તામાં બે અલગ-અલગ ઘટનાઓમાં પ્રાથમિક સ્કૂલમાં શિક્ષણ લેતી 800 અફઘાન વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનમાં એક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે આશરે 80 વિદ્યાર્થીઓને સ્કૂલોમાં ઝેર આપવામાં આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓ ઉત્તરમાં સ્થિત સર-એ-પુલ પ્રાંતમાં શનિવારે અને રવિવારે બની હતી. શિક્ષણ વિભાગના ડિરેક્ટર મોહમ્મદ રહેમાનીએ કહ્યું હતું કે સંગચરક જિલ્લામાં ધોરણે એકથી છ સુધીની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાની ઘટના બની હતી. તેમણે કહ્યું હતું કે નસવાન-એ-કબોદ આબ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓને અને નસવાન-એ-ફૈઝાબાદ સ્કૂલમાં 17 વધુ વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું.