તૂર્કીમાં 6.8નો ભૂકંપ; 18નાં મરણ, 200થી વધુ લોકો ઘાયલ

અંકારા – તૂર્કીના પૂર્વ ભાગમાં સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાતે 8.55 વાગ્યે ભયાનક ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 18 જણનાં મરણ થયા છે અને બીજાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

જમીનદોસ્ત થયેલા મકાનોના કાટમાળમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટેની કામગીરી આજે વહેલી સવારે પણ ચાલુ હતી.

ભૂકંપની તીવ્રતા 6.8ની હતી.

30 જેટલા લોકો લાપત્તા હોવાનો પણ અહેવાલ છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે પડોશના દેશો ઈરાક, સીરિયા અને લેબેનોનમાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ ભાગમાં આવેલા ઈલાજિક પ્રાંતના સીવરાઈસ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

આ જ પ્રાંતમાં વધારે નુકસાન થયું છે. ઓછામાં ઓછા 10 મકાન જમીનદોસ્ત થયા છે. ભૂકંપ આવ્યા બાદ અનેક મકાનોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ પણ ફાટી નીકળી હતી.

સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ભૂકંપ આવ્યો એ સમયમાં 15 આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.