તાઈપેઈઃ તાઈવાનના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પાટનગર શહેર તાઈપેઈમાં સ્થાનિક સમય મુજબ આજે બપોરે 1.11 વાગ્યે જોરદાર ધરતીકંપ આવ્યો હતો. એને કારણે શહેરમાં તમામ મકાનો હચમચી ગયા હતા. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઈપેઈની પૂર્વ તરફ 35 કિ.મી. દૂર આવેલા યિલાન શહેર નજીક ધરતીથી 66.8 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું.
ભૂકંપ આવ્યાની અમુક જ સેકંડ બાદ એક પ્રચંડ આફ્ટરશોક આવ્યો હતો જેની તીવ્રતા 5.4 હતી. ભૂકંપનો આંચકો લાગ્યા બાદ તાઈપેઈમાં મેટ્રો રેલવે સેવા તરત જ બંધ કરી દેવામાં આવી હતી, જે થોડાક સમય બાદ ફરી શરૂ કરી દેવામાં આવી હતી. ભૂકંપના આંચકાનો અનુભવ તાઈવાનના ઉત્તરીય, પૂર્વીય અને પશ્ચિમી ભાગોમાં રહેતા લોકોએ કર્યો હતો. તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટ્સના જંક્શન પર આવેલું છે જેને કારણે ત્યાંથી ધરતીકંપો વધારે થવાની સંભાવના રહે છે. 2016માં દક્ષિણ તાઈવાનમાં ભૂકંપ આવ્યો હતો જેમાં 100થી વધારે લોકો માર્યા ગયા હતા. 1999માં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2,000થી વધારે લોકો માર્યા ગયા હતા.