ઇસ્લામાબાદઃ ખૈબર પખ્તૂનખ્વાના નીચલા કુર્રમ વિસ્તારમાં યા6 વેન પર કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 39 લોકો માર્યા ગયા છે અને 50થી વધુ ઘાયલ થયા છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જઈ રહેલા વાહનો પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર બંદૂકથી કરાયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
આ, હુમલો કુર્રમના પારાચિનારથી કાફલામાં જઈ રહેલી પેસેન્જર વાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. પેસેન્જર વાન જ્યારે લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરીની પાસેથી પસાર થઈ ત્યારે પહેલેથી ઘાત લગાવીને બેસેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. આ હુમલાની પુષ્ટિ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કુર્રમ કબાયલી જિલ્લામાં થયેલા આ હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. આ એક મોટી જાનહાનિ છે અને મૃતકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે. અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલા કબાયલી વિસ્તારમાં જમીન વિવાદને લઈને સશસ્ત્ર શિયા અને સુન્ની સમુદાયના મુસ્લિમો વચ્ચે ઘણાં વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનમાં થયેલા આ હુમલાને લઈને હજુ સુધી એક પણ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. આ પહેલાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર આતંકી હુમલામાં 12 સુરક્ષા કર્મચારી માર્યા ગયા હતા.