તાઝિકિસ્તાનની જેલમાં કેદ IS ના આતંકીઓએ કર્યો હુમલો, 32ના મોત…

દુશાંબેઃ તાઝિકિસ્તાનની એક જેલમાં તોફાન થવાના કારણે 32 લોકોના મોત થયાં છે. મૃતકોમાં ઈસ્લામિક સ્ટેટ સમૂહના 24 આતંકી અને 3 ગાર્ડનો સમાવેશ થાય છે. ન્યાય મંત્રાલયે સોમવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે રાજધાની દુશાંબે પાસે સ્થિત જેલમાં રવિવારે સાંજે તોફાન થયું હતું. નિવેદન અનુસાર તોફાન દરમિયાન આઈએસના કેદીઓએ 5 કેદીઓ અને ત્રણ ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.

મંત્રાલયના રિપોર્ટ અનુસાર, આઈએસના આતંકવાદીઓએ ચપ્પા અને ધારદાર હથિયારથી કેદીઓ અને ગાર્ડ પર હુમલો કરી દીધો. હુમલો કરનારાઓ પૈકી એક બેખરુજ ગુલમુરોદ હતો. તાઝિકિસ્તાનની સ્પેશિયલ ફોર્સમાં કર્નલ ગુલમુરોદ ખલિમોવનો દીકરો બેખરુજ આઈએસ આતંકી બની ગયો હતો અને જેલમાં બંધ હતો. ખુદ ગુલમુરો ખલિમોવ પણ આઈએસમાં ભરતી થઈ ગયો હતો અને 2015માં સીરિયામાં તેનું સંઘર્ષ દરમિયાન મોત થયું હતું.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તોફાન થયા બાદ 24 આઈએસ આતંકી કેદીઓને સુરક્ષા મોતને ઘાટ ઉતાર્યા. દુશાંબેથી થોડા જ કિલોમીટર દૂર આ જેલમાં 1500 કેદીઓ છે. કેટલાક કેદીઓ આ આખા સંઘર્ષમાં જખ્મી પણ થયાં છે જેમને હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યાં છે.

આઈએસઆઈએસનો સીરિયા અને ઈરાકના કેટલાક ભાગ પર કબજો છે. આ પહેલાં પણ આ સંગઠને નવેમ્બરમાં  જ એક અન્ય જેલમાં કેદીઓ પર હુમલાની જવાબદારી લીધી હતી. ગત વર્ષે જુલાઈમાં તાઝિકિસ્તાનની જેલમાં હિંસક સંઘર્ષ થયો હતો. લાંબા સમય સુધી આ દેશ પર સોવિયત રશિયાનું પ્રભુત્વ રહ્યું હતું. ગત થોડા સમયમાં અહીંથી મોટી સંખ્યામાં યુવાનોના આઈએસમાં ભરતી થવાના સમાચારો પણ સામે આવ્યાં હતાં.