ટોકિયો – અહીંથી નજીકના એક ઉપનગરમાં પાંચ-ડબ્બાવાળી ડ્રાઈવરવિહોણી એક ટ્રેન ખોટી દિશામાં જતી રહેતાં અને એક બફર સ્ટોપ સાથે અથડાઈ જતાં 14 પ્રવાસીઓને ઈજા થઈ હતી. આ અકસ્માત શનિવારે રાતે 8 વાગ્યે થયો હતો.
જાપાનમાં ઓટોમેટિક ટ્રેન સેવા શરૂ થયાને 30 વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષોમાં આ પહેલો જ અકસ્માત બન્યો છે. આ અકસ્માત ગંભીર જરૂર હતો, પણ જીવલેણ નહોતો.
ટ્રેન લગભગ 20 મીટર (65 ફૂટ) જેટલું અંતર ખોટી દિશામાં દોડ્યા બાદ શિન-સુગિતા સ્ટેશને બફર સ્ટોપ સાથે અથડાઈ ગઈ હતી.
સેલ્ફ-ડ્રાઈવિંગ કનાઝાવા લાઈન પર આ સ્ટેશન ટર્મિનલ છે. આ ઓટોમેટેડ ટ્રેન સેવાનું સંચાલન યોકોહામા સીસાઈડ લાઈન કંપની કરે છે. અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં 30 જેટલા પ્રવાસીઓ હતા.
અકસ્માત બાદ તરત જ આ લાઈન પરની સેવા બંધ કરી દેવામાં આવી હતી અને તે ફરી ક્યારે શરૂ કરાશે એ વિશે જાણ કરવામાં આવી નહોતી.
દુનિયાના અનેક દેશોમાં ડ્રાઈવરવિહોણી અથવા સેલ્ફ-ડ્રાઈવિંગ કાર આજે પણ હજી પરીક્ષણ અવસ્થામાં ચલાવવામાં આવે છે જ્યારે ઓટોમેટિક ટ્રેનો તો જાપાનમાં વર્ષોથી ચલાવવામાં આવે છે.
ડ્રાઈવરલેસ ટ્રેન હેડક્વાર્ટરમાંથી ગાઈડવે અન્ડર કન્ટ્રોલ દ્વારા ચલાવવામાં આવે છે. અકસ્માતવાળી ટ્રેનનુું ત્રણ કર્મચારી મોનિટરિંગ અને કન્ટ્રોલિંગ કરી રહ્યા હતા, પરંતુ ટ્રેન ઊલટી દિશામાં શિફ્ટ થઈ ગઈ એ તેમની જાણમાં રહ્યું નહોતું અને જ્યારે ટ્રેન બફર સ્ટોપ સાથે અથડાઈ ત્યારે જ ખબર પડી હતી.
ઓપરેટિંગ કંપનીના પ્રમુખે મધરાતે પત્રકાર પરિષદ બોલાવીને જાહેરમાં માફી માગી હતી. એમણે કહ્યું કે ટ્રેન આ રીતે ઊંધી દિશામાં ચાલવી જ ન જોઈએ.