737 MAX વિમાનોમાં ખામી રહી ગઈ છેઃ બોઈંગની કબૂલાત; એરલાઈન્સને ચેતવી દીધી

ન્યૂયોર્ક – અમેરિકાની જગવિખ્યાત એવિએશન કંપની બોઈંગએ કબૂલ કર્યું છે કે, એના ઘણા 737 MAX 8 વિમાનો સહિત કેટલાક 737 વિમાનોની પાંખના ભાગમાં ટેકનિકલ ખરાબી રહી ગઈ છે.

બોઈંગના 737 Max સીરિઝનાં વિમાનો દુનિયામાં સૌથી મહત્ત્વના અને લોકપ્રિય છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં અમુક ગમખ્વાર દુર્ઘટનાઓ બન્યા બાદ તેને આ વિમાનોને હાલ સેવામાંથી હટાવી લેવાની ફરજ પડી છે. હવે આ વિમાનોને ફરી સેવામાં ઉતારવા માટે એ પ્રયત્નશીલ છે.

બોઈંગે સર્વિસ બુલેટિન બહાર પાડ્યું છે અને આ નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં રહી ગયેલી ખામીની જાણ અમે ઘણા વિમાન માલિકોને કરી દીધી છે, તેથી તેઓ એમની ચકાસણી કરી શકે. જો ઓપરેટરોને એમના વિમાનના ભાગોમાં કોઈ ખામી જણાય તો તેઓ એ વિમાનની બદલી કરાવી શકે છે.

બોઈંગ કંપની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન નિયમો અનુસાર કામ કરે છે. એણે કહ્યું છે કે દુનિયાના દેશોમાં જે એરલાઈન્સ 737 વિમાનો ઉડાવે છે એમને અમે સલાહ આપી છે કે Max અને NG વિમાનોનાં પાંખના ભાગોની ચકાસણી કરાવે.

737 NG સીરિઝના વિમાનોમાં 737-600, -700, -800 અને -900 વિમાનો આવે છે.

બોઈંગે કહ્યું છે કે ઉક્ત વિમાનોની પાંખના આગળના ભાગમાં અમુક ખામી રહી ગઈ છે જે ઉત્પાદનનાં નિશ્ચિત ધારાધોરણ અનુસાર નથી અને એને બદલવાની જરૂર છે. એરલાઈન્સોએ જો એમના વિમાનોમાં ખામી જણાય તો એ બદલી કરાવી લેવા અને પછી જ સેવામાં ફરી ઉતારવા.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું પણ કહેવું છે કે ખામીવાળા ભાગો કસમયે કામ કરતા બંધ થઈ શકે છે અથવા એમાં તિરાડ પડી શકે છે. એને કારણે ઉડતું વિમાન નીચે નહીં પડે, પરંતુ એમાં નુકસાન થઈ શકે છે.

ગયા માર્ચ મહિનામાં ઈથિયોપીયન એરલાઈન્સનું બોઈંગ જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે પહેલાં ઓક્ટોબરમાં, ઈન્ડોનેશિયામાં લાયન એરનું જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બે દુર્ઘટનાને પગલે બોઈંગ કંપનીને તેના 737 મેક્સ વિમાનોને સેવામાંથી હટાવી લીધા છે.