અમેરિકાએ ભારતનો મહત્વનો દરજ્જો ખતમ કરવા આપી ડેડલાઈન

વોશિંગ્ટનઃ  વડાપ્રધાન મોદીની ભવ્ય જીત બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ભરપુર વખાણ કર્યાં હતાં, ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતના વખાણ કરે છે. પરંતુ હવે હેરાન કરનારી એક ખબર સામે આવી રહી છે. અમેરિકા તરફથી જીએસપી કાર્યક્રમ હેઠળ ભારતને આપવામાં આવેલો વિકાસશીલ દેશનો દરજ્જો ખતમ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 5 જૂનથી ભારતને આપવામાં આવેલ જીએસપીનો દરજ્જો ખતમ કરી દેશે. ટ્રમ્પે આ વર્ષે માર્ચમાં ભારતને જીએસપી કાર્યક્રમમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે અમેરિકા સાથે જોડાણ હોવા છતાં ભારતે અમેરિકાને એ આશ્વાસન નથી આપ્યું કે તે અમેરિકાની પ્રોડક્ટને ભારતના બજારમાં સમાન અને યોગ્ય પહોંચ ઉપલબ્ધ કરાવશે.’ ટ્રમ્પે માર્ચમાં ટર્કી પાસેથી પણ આ દરજ્જો લઈ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અમેરિકાનું એ પણ કહેવું છે કે, ભારતમાં પ્રતિબંધોને કારણે તેમને વ્યાપારિક નુકસાન થઈ રહ્યું છે, સાથે જ ભારત જીએસપીના માપદંડ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જોકે ટ્રમ્પના આ નિવેદન બાદ વાણિજ્ય સચિવ અનૂપે કહ્યું હતું, ‘અમેરિકાના આ નિર્ણયથી 5.6 અબજ ડોલરની નિકાસ પર કોઈ વિશેષ અસર નહીં થાય.’

જનરાલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP) અમેરિકાનો સૌથી મોટો અને જૂનો વ્યાપાર કાર્યક્રમ છે. જેનું લક્ષ્ય લાભાર્થી દેશના હજારો ઉત્પાદનોને શુલ્ક વગર પ્રવેશની મંજૂરી આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ટ્રમ્પે 4 માર્ચના રોજ કહ્યું હતું કે, અમેરિકા તરફથી જીએસપી હેઠળ ભારતને મળતો લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો ખતમ કરવા પર વિચાર કરી રહ્યો છું, આ મામલે ભારતને 60 દિવસની નોટિસ પણ મોકલવામાં આવી હતી જે 3 મેના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]