અમેરિકામાં 12-માળનું મકાન તૂટી પડ્યું: 1નું-મરણ, 9-ઘાયલ

સર્ફસાઈડઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સર્ફસાઈડ શહેરમાં આજે વહેલી સવારે એક મકાન હોનારત થઈ છે. 12-માળના મકાન ‘ચેમ્પ્લેન ટાવર્સ સાઉથ’નો મોટો ભાગ તૂટી પડ્યો છે. અગ્નિશામક દળ અને પોલીસ ટૂકડીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. આ મકાન માયામી બીચની ઉત્તર તરફ આવેલા કોલીન્સ એવેન્યૂમાં આવેલું છે. સર્ફસાઈડ શહેરના મેયર ચાર્લ્સ બુર્કિટના જણાવ્યા મુજબ, એક જણનું મૃત્યુ થયું છે અને નવ જણ ઘાયલ થયા છે. કાટમાળ હેઠળ કેટલાક લોકો ફસાયા હોવાનું કહેવાય છે.

મકાન તૂટી પડ્યું ત્યારે એમાં કેટલા જણ હતા એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક સમાચાર સેવાના જણાવ્યા મુજબ, અગ્નિશામક દળના જવાનોએ કાટમાળમાંથી એક છોકરાને બચાવી લીધો છે. સ્થાનિક મિડિયાના જણાવ્યા મુજબ, આ મકાન 1981માં બાંધવામાં આવ્યું હતું અને એમાં 130 જેટલા ફ્લેટ હતા.