સાઇકલ ડે: સરળ, સસ્તી, સલામત સવારી

અમદાવાદ: દુનિયામાં સાઇકલનું મહત્વ વધે એ માટે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ખરડો પસાર કરવામાં આવ્યો. આથી સમગ્ર વિશ્વમાં 3 જૂનના રોજ સાઇકલ દિવસ તરીકે ઉજવાય છે. સાઇકલ ડેની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય એ છે કે તંદુરસ્ત રાખતા એકદમ ઉપયોગી સરળ,સસ્તા સાધન વિશે સમગ્ર વિશ્વના લોકોમાં જાગૃતિ વધે. લોકો વધુમાં વધુ સાઇકલ તરફ વળે જેથી ઈંધણથી ચાલતા મોટા વાહનોનો ઉપયોગ ઘટે.કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે. જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે. સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)