નવી દિલ્હીઃ ઓગસ્ટમાં CPI મોંઘવારી દર (રિટેલ ઇન્ફ્લેશન) વધીને 2.07 ટકાએ પર પહોંચ્યો છે, જે ગયા મહિના કરતાં 46 બેસિસ પોઇન્ટ વધુ છે. ઓગસ્ટમાં ખાદ્ય વસ્તુઓના ભાવોમાં વાર્ષિક ધોરણે 0.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે જુલાઈમાં તેમાં 1.76 ટકાનો ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
આ સાથે જ મોંઘવારીના દરમાં સતત 10 મહિનાના ઘટાડો અટક્યો છે. સરકાર દ્વારા 12 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઈમાં CPI દર આઠ વર્ષના નીચલા સ્તર 1.61 ટકા પર હતો. જોકે નાનો વધારો છતાં મોંઘવારી સતત ચોથા મહિને ત્રણ ટકાથી નીચે જ રહી છે.સ્ટેસ્ટિક્સ મંત્રાલય (MOSPI)ના આંકડા મુજબ ઓગસ્ટમાં હેડલાઇન ઇન્ફ્લેશન અને ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો મુખ્યત્વે શાકભાજી, માંસ અને માછલી, તેલ અને ચરબી, પર્સનલ કેર, ઈંડા વગેરેના ભાવમાં વધારાને કારણે થયો છે. ગયા મહિને જુલાઈમાં CPI દર 1.61 ટકા હતો. જોકે વાર્ષિક ધોરણે ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારીમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ દર 3.65 ટકા હતો.
RBIની MPC બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન થશે. આ વર્ષે RBI અત્યાર સુધી 100 બેસિસ પોઇન્ટની કાપ કરી ચૂકી છે અને રેપો રેટ ઘટીને 5.5 ટકા પર આવી ગયો છે. આંકડા મુજબ ખાદ્ય મોંઘવારી ઓગસ્ટમાં પણ નેગેટિવ ઝોનમાં રહી.
શહેરી અને ગ્રામ્ય મોંઘવારી વધી
શહેરી મોંઘવારી જુલાઈના 2.05 ટકાથી વધી ઓગસ્ટમાં 2.47 ટકા થઈ છે. ગ્રામ્ય મોંઘવારી જુલાઈના 1.18 ટકાથી વધી ઓગસ્ટમાં 1.69 ટકા થઈ છે. આ સાથે દાળોની મોંઘવારી (-)13.76 ટકાથી ઘટીને (-)14.53 ટકા થઈ છે, જ્યારે શાકભાજીની મોંઘવારી (-) 20.69 ટકાથી ઘટીને (-)15.92 ટકા થઈ છે. આ સાથે અનાજમાં મોંઘવારી જુલાઈના 3.07 ટકાથી ઘટીને 2.7 ટકા થઈ છે.





