કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે. તેવી જ રીતે સુરતને બીજું સ્થાન મળ્યું છે. સર્વેક્ષણના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત આઠમી વખત ઇન્દોર સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ટોચ પર રહ્યું. ત્યારબાદ સુરત અને નવી મુંબઈનો ક્રમ આવે છે. 3-10 લાખ વસ્તી શ્રેણીમાં નોઈડા સૌથી સ્વચ્છ શહેર હતું, ત્યારબાદ ચંદીગઢ અને મૈસુરના નામ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આયોજિત એક સમારંભમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા.
સરકારના મતે ‘સ્વચ્છ સર્વેક્ષણ’ મિશનનો ઉદ્દેશ્ય મોટા પાયે નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેઓ નગરો અને શહેરોને રહેવા માટે વધુ સારા સ્થળો બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે. નવમા વર્ષમાં પ્રવેશતા સ્વચ્છ સર્વેક્ષણે સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને સેવા વિતરણનું મૂલ્યાંકન કર્યું. તેમાં 10 પરિમાણો અને 54 સૂચકાંકોનો ઉપયોગ કરીને 4,500 થી વધુ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા.


