ઈન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુએસજીએસએ જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.9 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઈન્ડોનેશિયાના સમય મુજબ સવારે 10.23 કલાકે દેશના બાંદા સમુદ્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. દરિયામાં આવેલા આ ભૂકંપે સૌમલાકી શહેરને હચમચાવી નાખ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. સમાચાર એજન્સી એએફપીએ સૌમલાકી શહેરના એક રહેવાસીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા તીવ્ર હતા.
જ્યારે ભૂકંપમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા
ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાબામાં 5.6ની તીવ્રતાના ભૂકંપમાં 602 લોકોના મોત થયા હતા. વર્ષ 2004માં સુમાત્રા ક્ષેત્રમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં 2 લાખ 20 હજાર લોકોના મોત થયા હતા. જેમાં 1 લાખ 70 હજાર લોકો માત્ર ઈન્ડોનેશિયાના હતા.
ઈન્ડોનેશિયામાં સતત ભૂકંપ આવે છે
ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જેના કારણે ત્યાં ભૂકંપ આવતા રહે છે. રીંગ ઓફ ફાયર પેસિફિક, કોકોસ, ભારતીય-ઓસ્ટ્રેલિયન, જુઆન ડી ફુકા, નાઝકા, નોર્થ અમેરિકન અને ફિલિપાઈન ટેકટોનિક પ્લેટોને જોડે છે. ઇન્ડોનેશિયા, પાપુઆ ન્યુ ગિની, ચિલી, એક્વાડોર, પેરુ, રશિયા, જાપાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, બોલિવિયા, કોસ્ટા રિકા, ન્યુઝીલેન્ડ, ગ્વાટેમાલા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને એન્ટાર્કટિકા રિંગ ઓફ ફાયર પર સ્થિત છે.