ભારતનું મેન્યુફેક્ચરિંગ સતત ઘટી રહ્યું છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાંચ દિવસની જર્મની યાત્રા પર છે. કોંગ્રેસ સાંસદે બુધવારે મ્યુનિકમાં વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની BMWના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશી ધરતી પર ભારતીય એન્જિનિયરિંગ જોઈને તેમને ગર્વ અનુભવ્યો હતો. એ સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતના ઘટતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફરી ઊંચે લાવવાની જરૂર છે.

તેમણે BMW અને ભારતની TVS મોટર કંપનીની ભાગીદારીમાં બનેલી એક મોટરસાઇકલનું નિરીક્ષણ કર્યું. એ દરમિયાન પ્લાન્ટમાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક ધોરણોની સરખામણીમાં આપણું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જર્મનીના મ્યુનિકમાં BMW વેલ્ટ અને BMW પ્લાન્ટના માર્ગદર્શિત પ્રવાસ સાથે BMWની દુનિયા અનુભવવાની તક મળી. વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગને નજીકથી જોવાનો અદ્ભુત અનુભવ રહ્યો. ખાસ વાત એ હતી કે TVSની 450cc મોટરસાઇકલ જોવાની તક મળી, જે BMW સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. ભારતીય એન્જિનિયરિંગને પ્રદર્શિત જોઈને ગર્વ થયો.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ મજબૂત અર્થતંત્રની કરોડરજ્જું છે પણ દુર્ભાગ્યવશ, ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. વૃદ્ધિને વેગ આપવા માટે વધુ પ્રોડક્શન કરવાની જરૂર છે. અર્થપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ બનાવવી પડશે અને મોટા પાયે સારી ગુણવત્તાની નોકરીઓ સર્જવી પડશે.

તેમણે કહ્યું હતું કે ભારતનું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ. ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. પ્રોડક્શન કોઈ પણ દેશની સફળતાની ચાવી છે. પરંતુ આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ.