શ્રીલંકા: ભારતના દિવ્યાંગ ખેલાડીઓની ટીમે PD (ફિઝિકલી ડિસએબલ્ડ) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 79 રનથી હરાવી ચેમ્પિયન બન્યું છે. ટી-20 ફોર્મેટમાં રમાયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 197 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 118 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતે પહેલા બેટિંગ કરી હતી
ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયા તરફથી બેટિંગમાં યોગેન્દ્ર ભદોરિયાએ 40 બોલમાં 73 રન બનાવી તોફાની પ્રદર્શન કર્યું હતું. યોગેન્દ્રએ 182.50 ના તાબડતોડ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બેટિંગ બાદ બોલિંગમાં રાધિકા પ્રસાદે 3.2 ઓવરમાં માત્ર 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય વિક્રાંત કેનીએ પણ બે વિકેટ ઝડપી હતી.
ભારતીય કેપ્ટને આનંદ વ્યક્ત કર્યો
ભારતીય ટીમના કેપ્ટન વિક્રાંત કેનીએ આ ઐતિહાસિક જીત પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મારી કેપ્ટનશીપમાં આ ઉત્તમ ટીમ સાથે પીડી ચેમ્પિયન્સ ટ્રોફીનો ટાઇટલ જીતવો મારી કારકિર્દીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંથી એક છે. પ્લેઓફની મેચોએ જણાવી દીધું કે અમારી ટીમમાં કેટલું ટેલેન્ટ છે અને ખેલાડીઓમાં જીત હાંસલ કરવાનો કેટલો જૂસ્સો છે. ટીમના દરેક ખેલાડીએ આ ઐતિહાસિક જીતમાં પોતાનું ખાસ યોગદાન આપ્યું છે.’
ભારતના દિવ્યાંગ ખેલાડીઓની ટીમના હેડ કોચ રોહિત જલાનીએ પણ આ જીત અંગે કહ્યું કે, ‘સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ જૂસ્સામાં હતા. તેમણે દરેક પરિસ્થિતિઓ સાથે સમન્વય સાધીને દરેક પડકારોનો સામનો કર્યો હતો. અમારા માટે ટ્રોફી જીતવા કરતા પણ વધુ ખાસ વાત એ છે કે અમારી ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું.’