ભારતે વનડે નવ વિકેટથી જીતીઃ ગિલની વનડે કપ્તાન તરીકેની પહેલી જીત

સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા વનડેમાં નવ વિકેટથી હરાવી દીધું છે. રોહિત શર્માએ 121 રનની મેચવિજેતા ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. બીજી બાજુ, વિરાટ કોહલી પણ 74 રનની અડધી સદી ફટકારીને નોટઆઉટ રહ્યો હતો. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે ભારતે જીતી લીધી હોવા છતાં સિરીઝ 2-1થી ઓસ્ટ્રેલિયાને નામે રહી. આ શુભમન ગિલ તરીકેની પહેલી વનડે કપ્તાન તરીકેની જીત પણ રહી.

ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને આખા 50 ઓવર પણ ન રમવા દીધા. કાંગારુ ટીમ પ્રથમ બેટિંગ કરતાં માત્ર 236 રન જ બનાવી શકી હતી. હર્ષિત રાણાએ ભારત માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી, જે અત્યાર સુધીના તેના વનડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

વિરાટ-રોહિત શર્મા ચમક્યા

237 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ 69ના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. ગિલ માત્ર 24 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સાથે મળી ઇનિંગ સંભાળી અને ટીમને જીત અપાવી હતી.

રોહિત શર્માએ નોટઆઉટ 121 રનની ઇનિંગ રમી, જે તેનાં વનડે કારકિર્દીની 33મી અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 50મી શતક છે. તેણે બીજા વિકેટ માટે 168 રનની અણનમ ભાગીદારી કરી. આ વનડેમાં 19મો પ્રસંગ હતો, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ 100થી વધુ રનની ભાગીદારી કરી છે. સૌથી વધુ 100 + રનની ભાગીદારીના મામલે હવે માત્ર સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી અને કુમાર સંગાકારા-તિલકરત્ને દિલશાન જ તેમની આગળ છે.

શુભમન ગિલની પહેલી જીત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં શુભમન ગિલને નવો વનડે કપ્તાન બનાવાયો હતો. તેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ સાત વિકેટથી હારી ગઈ હતી. એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં પણ ભારતને બે વિકેટથી હાર મળી હતી. કપ્તાન તરીકે પ્રથમ બે મેચ હાર્યા બાદ ગિલે આખરે સિડનીમાં વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો.