અમેરિકા: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંયુક્ત રાષ્ટ્ર અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) વચ્ચેના સહયોગ અંગેના પ્રસ્તાવ પર ચાલી રહેલી પરામર્શ પ્રક્રિયામાંથી ભારત અને અન્ય દેશોને ઇરાદાપૂર્વક બાકાત રાખવા બદલ ભારતે તુર્કીની ભારે આકરી ટીકા કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રેપ્રેઝન્ટેટીવ (કાયમી પ્રતિનિધિ) યોજના પટેલે આ પ્રક્રિયાને પારદર્શિતા અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવતા તેને ‘ઘોર અને ઈરાદાપૂર્વકનું પગલું’ ગણાવ્યું હતું. ઇરાક દ્વારા રજૂ કરાયેલા અને તુર્કી દ્વારા સંચાલિત આ ડ્રાફ્ટ પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું, જેમાં 112 મત તરફેણમાં, 6 મત વિરોધમાં પડ્યા હતા જ્યારે ૩૯ દેશો ગેરહાજર રહ્યા હતા. ભારત ઉપરાંત આર્મેનિયા, સાયપ્રસ, ગ્રીસ, ઇઝરાયેલ અને અમેરિકાએ પણ આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.
ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે OIC પ્લેટફોર્મનો ઉપયોગ સતત સંકુચિત રાજકીય હિતો માટે અને ભારત વિરુદ્ધ આધારહીન આક્ષેપો કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ભારતે યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખને આ પ્રકારની પક્ષપાતી અને બાકાત રાખવાની પદ્ધતિઓની તપાસ કરવા અને ભવિષ્યમાં તેની પુનરાવૃત્તિ અટકાવવા અપીલ કરી છે.






