શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ફોરમમાં પાકિસ્તાનને આમંત્રણ આપવા સામે કોંગ્રેસનો વિરોધ

નવી દિલ્હી: આગામી મહિને રાજધાનીમાં યોજાનાર શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમ માટે ભારતે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે, જેને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ પાર્ટીએ પાકિસ્તાનના પ્રસ્તાવિત પ્રવાસ અને સીમા પારના આતંકવાદના મુદ્દે કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, એસસીઓ એક બહુપક્ષીય મંચ છે અને તમામ સભ્ય દેશો તેમાં ભાગ લે છે, પરંતુ મૂળ સવાલ એ છે કે પહલગામ આતંકવાદી હુમલા પછી શું બદલાયું છે? તેમણે સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાને આતંકવાદી માળખા સામે કોઈ કાર્યવાહી કરી છે અથવા પાકિસ્તાન તરફથી કોઈ પસ્તાવો વ્યક્ત કરવામાં આવ્યો છે?

આ સાથે જ, પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ સરકારની પાકિસ્તાન નીતિ સામે અસ્પષ્ટતાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારની નીતિ ક્યારેય સ્પષ્ટ હોતી નથી અને તેઓ જે પણ કરવા કે દેખાડવા માગે છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ જેથી વિપક્ષ પણ યોગ્ય પ્રતિક્રિયા આપી શકે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારતનું આ આમંત્રણ સ્વીકારી લીધું છે અને તેના ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુસદિક મલિક આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવનાર છે. સિંધુ જળ સંધિ સ્થગિત હોવા છતાં અને દ્વિપક્ષીય સંબંધો તણાવપૂર્ણ હોવા વચ્ચે ભારત દ્વારા અપાયેલા આ આમંત્રણ પર રાજકીય ગરમાવો આવ્યો છે.