IND vs SL: ટીમ ઈન્ડિયાએ શ્રેણી કબજે કરી, ત્રીજી T20માં શ્રીલંકાને 91 રને હરાવ્યું

રાજકોટમાં રમાયેલી T20 સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રનથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી. આ કરો યા મરો મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં માત્ર 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત માટે સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. બોલિંગમાં હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહને ત્રણ સફળતા મળી.

સૂર્યકુમાર યાદવે આજે ફરી ધૂમ મચાવી હતી અને શ્રીલંકાના બોલરોને ચારે તરફ ઝુડ્યા હતા. સિક્સર અને ફોરનો વરસાદ કરીને શ્રીલંકાની સામે વિશાળ સ્કોર કર્યો હતો. ભારતીય બોલરોએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ટીમ ઈન્ડિયાના બોલરોએ શ્રીલંકામાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. યજમાન ટીમે 100 રન પહેલા જ શ્રીલંકાના 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. આ મેચમાં ભારતે શ્રીલંકાની ટીમ પર 91 રનના વિશાળ અંતરથી શાનદાર જીત નોંધાવી હતી.

ભારતે શ્રેણી પોતાના નામે કરી લીધી

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજી T20 સિરીઝ જીતી લીધી છે. ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 1-0થી જીતી લીધી હતી. 2023 માં હાર્દિક પંડ્યા એન્ડ કંપનીએ ભવ્ય પદાર્પણ કર્યું છે. ભારતે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. બંને ટીમો વચ્ચે 10 જાન્યુઆરીથી વનડે સિરીઝ શરૂ થશે. હવે જોવાનું એ રહેશે કે મુલાકાતી ટીમ વન-ડે શ્રેણીમાં પોતાના ઘા રુઝાવવામાં સફળ થાય છે કે નહીં.