CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાના-રીરી મહોત્સવ 2023નો પ્રારંભ

વડનગરમાં તાના રીરી સંગીત મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને મુખ્યમંત્રીએ નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને નરેન્દ્રભાઈ મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-2010માં તાના-રીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી.આ પરંપરામાં વર્ષ-2022નો એવોર્ડ કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને અને વર્ષ 2023 માટે આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગરના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક નગર વડાપ્રધાનના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને ‘પ્રેરણા સ્કૂલ’ તરીકે રાજ્ય સરકાર ડેવલપ કરી રહી છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રેરણા સ્કૂલનો આ અભિનવ વિચાર આપણે રાજ્યની અન્ય શાળાઓમાં પણ અમલી કરવા જઇ રહ્યા છીએ. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ વતનભૂમિ વડનગરને 2017માં નવી GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલની ભેટ આપી છે. રાજ્ય સરકાર કળા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠબળ આપીને આવી કલાપ્રવૃત્તિઓનું જતન-સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે, પીએમ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિદ્યાલય પરફોર્મીંગ આર્ટ્સ કોલેજ પણ વડનગરમાં રાજ્ય સરકારે શરૂ કરી છે.