દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી સમગ્ર દેશમાં આ મુદ્દાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સીએમની ધરપકડ વિશે સાંભળવું સામાન્ય લોકો માટે ખૂબ જ વિચિત્ર છે, કારણ કે આ અંગે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે. તો ચાલો જાણીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે કોઈપણ તપાસ એજન્સી રાજ્યના મુખ્યમંત્રીની ધરપકડ કેવી રીતે કરી શકે છે અને આ માટેની કાયદાકીય પ્રક્રિયા શું છે.
કાયદા અનુસાર, મુખ્યમંત્રીને સિવિલ કેસમાં ધરપકડ અને અટકાયતથી મુક્તિ છે, પરંતુ ફોજદારી કેસોમાં મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે. ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એકમાત્ર એવા બંધારણીય હોદ્દેદારો છે જેમને એમના કાર્યકાળના અંત સુધી સિવિલ અને ફોજદારી કાર્યવાહીમાં ધરપકડથી મુક્તિ મળે છે.
બંધારણના અનુચ્છેદ 361 પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો હોદ્દા પર હોય ત્યારે કરવામાં આવેલા કોઈપણ કાર્ય માટે કોઈપણ કોર્ટને જવાબ આપતા નથી. પરંતુ, આ મુક્તિ વડા પ્રધાનો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો માટે ઉપલબ્ધ નથી.
ધરપકડ પહેલા લેવી પડે છે મંજૂરી
સિવિલ પ્રોસિજર 135ની સંહિતા હેઠળ, મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યને સિવિલ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે છે, પરંતુ ફોજદારી કેસોમાં નહીં. જો કે, ફોજદારી કેસોમાં ધરપકડ પહેલા ગૃહના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાશે.
કરી શકાય છે સસ્પેન્ડ
કાયદા અનુસાર, જ્યારે કોઈ સરકારી અધિકારીને જેલ જવાનો ખતરો હોય ત્યારે તેને સસ્પેન્ડ કરી શકાય છે, પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ પર આવો કોઈ કાનૂની પ્રતિબંધ નથી. જોકે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી. જો મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે તો રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. જયારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 માં અમુક ગુનાઓ માટે અયોગ્યતાની જોગવાઈઓ છે, પરંતુ કોઈ પણ હોદ્દો ધરાવનાર વ્યક્તિ માટે સજા કરવી ફરજિયાત છે, તો જ તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
અત્યાર સુધી કોની થઈ છે ધરપકડ?
લાલુ પ્રસાદ યાદવનું નામ ઘાસચારા કૌભાંડમાં CBIની ચાર્જશીટમાં સામે આવ્યું હતું, ત્યારબાદ એમણે 1997માં પદ પરથી રાજીનામું આપ્યું અને રાબડી દેવી મુખ્યમંત્રી બન્યા. આ પછી જ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.
જયલલિતાને 2014માં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એમને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, એ પોતે મુખ્યમંત્રી પદ માટે અયોગ્ય બની ગયા. ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ કેસની તપાસ ચાલુ રહી ત્યારે તેણીએ મુખ્યમંત્રી પદ સંભાળવાનું ચાલુ રાખ્યું. આ સમયગાળા દરમિયાન પન્નીરસેલ્વમ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હતા.
વર્ષ 2011માં કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગેરકાયદે ખનન કેસ અંગે લોકાયુક્તનો અહેવાલ બહાર આવ્યા બાદ રાજીનામું આપવું પડ્યું હતું અને થોડા સમય બાદ એમની ફરી ધરપકડ કરવામાં આવી હતી.
દોષિત સાબિત ન થાય ત્યાં સુધી રહી શકે છે મુખ્યમંત્રી
કાયદા અનુસાર, જો કોઈ કેસમાં દોષિત ઠરે તો જ મુખ્યમંત્રીને ગેરલાયક ઠેરવી શકાય છે અથવા પદ પરથી હટાવી શકાય છે. અરવિંદ કેજરીવાલના કેસમાં એમને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યા નથી. તદુપરાંત, માત્ર ધરપકડથી એ મુખ્ય પ્રધાનપદ માટે અયોગ્ય નથી.
મુખ્યમંત્રીને બે સ્થિતિમાં જ પદ પરથી હટાવી શકાય છે. પ્રથમ તો વિધાનસભામાં બહુમતીનો ટેકો ગુમાવે અને બીજુ સત્તામાં રહેલી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવે.