વર્ષ 2024માં લોકો સાથે રૂ. 22,811 કરોડની સાઇબર છેતરપિંડી  

નવી દિલ્હીઃ દિવસે ને દિવસે સાઇબર ક્રાઈમના અનેક કેસ સામે આવી રહ્યા છે. ઠગો લોકોને પોતાના જાળમાં ફસાવા માટે નવી-નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જો આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2024માં સાઇબર ગુનેગારો દ્વારા લોકોને કુલ 22,811.95 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે, એમ અહેવાલ કહે છે.

ઇન્ડિયન સાઇબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C)ના જણાવ્યા મુજબ વર્ષ 2024માં નેશનલ સાઇબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર 19.18 લાખ ફરિયાદો નોંધવામાં આવી છે. આ ફરિયાદો સાઇબર ગુનાઓથી સંબંધિત છે, જેમાં લોકો પોતાના 22,811.95 કરોડ રૂપિયા ગુમાવી બેઠા છે. આ આંકડા ભારતને દુનિયાના સૌથી વધુ સાઇબર ક્રાઈમનો ભોગ બનતા દેશોમાં સામેલ કરે છે.

GIREMના એક રિપોર્ટ અનુસાર ભારતમાં મેલવેર એટેકમાં 11 ટકા, રેન્સમવેરમાં 22 ટકા, IoT એટેકમાં 59 ટકા અને ક્રિપ્ટો હુમલાઓમાં આશ્ચર્યજનક રીતે 409 ટકાની વૃદ્ધિ થઈ છે.

વર્ષ 2023માં સાઇબર છેતરપિંડીની 15.56 લાખ ફરિયાદો નોંધવામાં આવી હતી, જે 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગના કેસ પૈસાથી સંબંધિત છે. વર્ષ 2023માં ભારતીયોએ 7496 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જ્યારે 2022માં આ આંકડો 2306 કરોડ રૂપિયાનો હતો.

વર્ષ 2024માં આ આંકડો 2023ના તુલનાએ ત્રણ ગણો અને 2022ના તુલનાએ 10 ગણો વધ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં લોકો આશરે 33,165 કરોડ રૂપિયા સાઇબર છેતરપિંડીમાં ગુમાવી ચૂક્યા છે. GIREM રિપોર્ટ પ્રમાણે 2024માં થયેલા ફિશિંગ હુમલાઓમાં 82.6 ટકા એટેક AI જનરેટેડ હતા. તાજેતરમાં QR કોડ આધારિત સાઇબર છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે.